મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થા મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહત દરના પાસ આપવામાં આવે છે. ૮૦ હજારથી વધુ મહિલા અને ૨.૩૨ લાખથી વધુ પુરૂષ મુસાફરો મળી કુલ ૩ લાખથી વધુ રોજિંદા મુસાફરોને પાસની સુવિધા ૫૦ ટકા રાહત દરે (૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરી યોજના) અપાય છે. ઈ-પાસ સિસ્ટમ માટે કોમ્પ્યુટર અથવા મોબાઈલથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ગુજરાતમાં આગામી ૧૨મી જૂનથી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભની સાથે જ નવી ઇ-પાસ સિસ્ટમ અમલી થશે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે, ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે. સરકારના આ નિર્ણયને કારણે રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે. શિક્ષણ વિભાગના ડેટાનું જોડાણ કરીને વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાજનક સેવાઓ પૂરી પાડવાના હેતુથી ઈ-પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ સિસ્ટમ અંતર્ગત ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આગામી સમયમાં રાજ્યની આઈ.ટી.આઈ. તથા કોલેજોનો સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાશે.
વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ સિસ્ટમનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ તબક્કે જણાવ્યું હતું કે, નવી ઈ-પાસ સિસ્ટમના અમલીકરણથી વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોના સમયનો બચાવ થશે. ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકાશે. જેથી રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધવાથી ડિજિટલ ક્રાંતિને વેગ મળશે. નજીકના કોઈ પણ બસ સ્ટેશન ખાતેથી પાસની પ્રિન્ટ મેળવી શકાશે અને લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે.