પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મુર્શિદાબાદના ખારગ્રામમાં એક સક્રિય કોંગ્રેસ કાર્યકરની હત્યા કરવામાં આવી છે. પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું થયું છે. હત્યાના આરોપીઓને ખારગ્રામ પ્રશાસનનું રક્ષણ મળ્યું હતું ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. અમે તેનો વિરોધ કરીશું. તૃણમૂલ કોંગ્રેસ બુલેટ ઇલેક્શન ઇચ્છે છે કે બેલેટ ઇલેક્શન? અમે તૃણમૂલ કોંગ્રેસને ખૂનની આ રાજનીતિ નહીં કરવા દઈએ.
West Bengal | Congress MP Adhir Ranjan Chowdhury writes to Governor urging him to arrange Central forces during the Panchayat elections to have free and fair elections. pic.twitter.com/zzWkUyYhvP
— ANI (@ANI) June 10, 2023
શુક્રવારે 9 જૂનના રોજ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPIM) સાથે ગઠબંધન કરીને રાજ્યમાં આગામી પંચાયત ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને CPIM સાથે મળીને પંચાયત ચૂંટણી લડશે.
તેમણે કહ્યું કે, અમે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને આ મામલે સીપીઆઈએમને તમામ પ્રકારનો સહયોગ આપવાનું કહી દીધું છે. આ મહિને પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ સિસ્ટમમાં લગભગ 75,000 બેઠકો માટે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 15 જૂન સુધી ચાલુ રહેશે.