પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી હતી.
મહિલાઓ માટે નવી “અન્નપૂર્ણા ભંડાર યોજના”
સરકારે પૂર્વની “લક્ષ્મી ભંડાર યોજના”નું નામ બદલીને તેને “અન્નપૂર્ણા ભંડાર યોજના” તરીકે મંજૂરી આપી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને ₹3000ની નાણાકીય સહાય આપવામાં આવશે. સાથે જ 1 જૂનથી રાજ્યભરમાં મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની મંજૂરી
કેબિનેટે રાજ્યમાં 7મા પગાર પંચ (7th Pay Commission)ના ગઠનને મંજૂરી આપી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.
ધાર્મિક આધારિત યોજનાઓ પર નિર્ણય
સરકારે નીતિગત ફેરફાર કરતા મદ્રેસા વિભાગ અને માહિતી-સાંસ્કૃતિક વિભાગ હેઠળ ચાલતી તમામ ધર્મ આધારિત સહાય યોજનાઓ આવતા મહિનાથી બંધ કરવાની જાહેરાત કરી છે. હાલના ધાર્મિક પ્રોજેક્ટ્સ માત્ર આ મહિનાના અંત સુધી જ ચાલુ રહેશે.
CAA અરજદારોને પણ લાભ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે મહિલાઓ પહેલેથી યોજનાનો લાભ લઈ રહી છે તેમને લાભ મળતો રહેશે. સાથે જ નવી અરજી માટે પોર્ટલ ખોલવામાં આવશે. મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, CAA (Citizenship Amendment Act) માટે અરજી કરનારા અને જેમના કેસ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
પ્રથમ કેબિનેટ બેઠકના 5 મોટા નિર્ણયો
નવી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો:
- આયુષ્માન ભારત યોજના રાજ્યમાં સંપૂર્ણ અમલમાં મૂકાઈ
- IAS અને IPS અધિકારીઓને કેન્દ્રીય તાલીમની મંજૂરી
- ભારતીય ન્યાય સંહિતા (BNS) રાજ્યમાં લાગુ
- BSF માટે સરહદી વિસ્તારોમાં જમીન ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ
- રાજકીય હિંસામાં મૃત્યુ પામેલા 321 ભાજપ કાર્યકરોના પરિવારોને આર્થિક સહાય
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel