એક સમયે વીજ અછતનો સામનો કરનાર ગુજરાત આજે ઊર્જા ક્ષેત્રે દેશનું અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બની ગયું છે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરીને 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજળી ઉપલબ્ધ થાય તે માટે ‘જ્યોતિગ્રામ યોજના’ એક ગેમચેન્જર સાબિત થઈ છે.
આ વિકાસયાત્રામાં હવે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. ગુજરાત સરકારે ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન STATCOM (Static Synchronous Compensator) સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે.
ગુજરાતનું પ્રથમ STATCOM: ગ્રીડ માટે ગેમચેન્જર
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માર્ગદર્શન હેઠળ આ અદ્યતન ટેક્નોલોજી સ્થાપિત કરવામાં આવી છે. ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM 5 માર્ચ 2019થી કાર્યરત છે અને તે ગ્રીડમાં વોલ્ટેજ સ્ટેબિલિટી જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સિસ્ટમને “સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગ્રીડમાં થતા ફેરફારો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપીને સતત વીજ પ્રવાહ જાળવે છે. નોંધનીય છે કે GETCO ભારતમાં STATCOM ટેક્નોલોજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની છે.
STATCOMની જરૂરિયાત કેમ પડી?
ગુજરાતમાં ખાસ કરીને કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજળીની માંગમાં સતત ઉતાર-ચઢાવ રહે છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર સિસ્ટમ્સ સ્થિર સપોર્ટ આપે છે, પરંતુ ડાયનેમિક માંગને પહોંચી વળવા માટે પૂરતી નહોતી.
ટીંબડી સબસ્ટેશન વિસ્તારમાં વોલ્ટેજમાં ભારે ફેરફાર જોવા મળતા હતા:
- પીક સમયે વોલ્ટેજ 190–200 kV સુધી ઘટતું
- ચોમાસામાં 235–245 kV સુધી વધી જતું
આ પરિસ્થિતિમાં ગ્રીડને સ્થિર રાખવા માટે STATCOM જેવી અદ્યતન સિસ્ટમ અનિવાર્ય બની ગઈ હતી.
રિયલ-ટાઇમ ટેક્નોલોજી: તરત જ પ્રતિસાદ
STATCOM ગ્રીડ પર સતત નજર રાખે છે અને રિયલ-ટાઇમમાં કામ કરે છે. તે:
- રિએક્ટિવ પાવર આપીને/શોષીને વોલ્ટેજ સંતુલિત કરે છે
- પાવર ફેક્ટર નિયંત્રિત કરે છે
- ઓવર-વોલ્ટેજ અને વોલ્ટેજ ડ્રોપને અટકાવે છે
- વિવિધ લોડ પર પણ ગ્રીડને સંતુલિત રાખે છે
આથી વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વસનીયતા બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે.
ભવિષ્યની યોજના: 7 નવા STATCOM પ્રોજેક્ટ્સ
ટીંબડી ખાતે મળેલી સફળતા બાદ રાજ્ય સરકારે હવે અન્ય મહત્વપૂર્ણ સબસ્ટેશનો પર પણ STATCOM સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ હેઠળ:
220 kV સબસ્ટેશનો:
- થરાદ
- દિયોદર
- સાગપરા
- ખેરાલુ
- કુકમા
- ધ્રાંગધ્રા
400 kV સબસ્ટેશન:
- ધોલેરા-2
આ તમામ સ્થળોએ ±125 MVAR ક્ષમતા ધરાવતા STATCOM સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે, જે રાજ્યની ઊર્જા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel