ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જૂન 2026 નક્કી કરવામાં આવી છે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2026 રહેશે. રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 18 જૂન 2026ના રોજ સવારે યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
આ ચાર બેઠકો પર વર્તમાન સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાં રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરિ હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહ હરિચંદ્રસિંહ અને રમીલા બેચરભાઈ બારા સામેલ છે.

ચૂંટણી કાર્યક્રમ વિગતવાર:
- જાહેરનામું (Notification): 1 જૂન 2026
- નામાંકન અંતિમ તારીખ: 8 જૂન 2026
- સ્ક્રુટિની: 9 જૂન 2026
- ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ: 11 જૂન 2026
- મતદાન અને પરિણામ: 18 જૂન 2026
ગુજરાતની રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. હાલમાં કોંગ્રેસ માટે સ્થિતિ પડકારજનક બની છે, કારણ કે રાજ્યસભામાં બેઠક જીતવા માટે 37 ધારાસભ્યોનો ટેકો જરૂરી છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે.
આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે ઉમેદવારી નોંધાવવી પણ મુશ્કેલ બની શકે છે, અને ચૂંટણી બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ ચૂંટણીમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમની બેઠકોનો સમાવેશ થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel