અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા ભૂરાજકીય તણાવના અંતની જાહેરાત બાદ વૈશ્વિક કોમોડિટી બજારોમાં નવી હલચલ જોવા મળી રહી છે. તેની સીધી અસર ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ હેઠળ રહેલા સોના અને ચાંદીના વાયદા બજારમાં આજે જોરદાર ખરીદી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં બમ્પર ગેપ-અપ ઓપનિંગ નોંધાઈ હતી, જેના કારણે રોકાણકારોમાં ફરી એકવાર ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે.
સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹3,300થી વધુનો ઉછાળો
MCX પર 5 ઓગસ્ટ 2026ની એક્સપાયરી વાળા ગોલ્ડ ફ્યુચર્સમાં આજે તેજીનું વલણ જોવા મળ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનાનો ભાવ ₹1,50,528 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જોકે આજે બજાર શરૂ થતાં જ સોનું સીધું ₹1,53,829ના સ્તરે ઓપન થયું હતું. એટલે કે માત્ર ઓપનિંગમાં જ ₹3,301નો જંગી ઉછાળો નોંધાયો હતો.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી સોનાનો લાઈવ ભાવ ₹1,53,102 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹2,574 અથવા 1.71 ટકાની મજબૂતી દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,829ની ઊંચી સપાટી અને ₹1,52,977નો નીચો સ્તર સ્પર્શ કર્યો હતો.
ચાંદીમાં ખરીદદારોની ભારે એન્ટ્રી, ₹7,000થી વધુનો ઉછાળો
સોનાની જેમ જ ચાંદીના વાયદા બજારમાં પણ ભારે તેજી જોવા મળી છે. MCX પર 3 જુલાઈ 2026ની એક્સપાયરી વાળી સિલ્વર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં સવારથી જ ખરીદદારો તૂટી પડ્યા હતા.
અગાઉના ટ્રેડિંગ દિવસે ચાંદી ₹2,46,186 પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી. આજે બજાર ખુલતાની સાથે જ તેનો ભાવ સીધો ₹2,51,563 પર પહોંચી ગયો હતો. એટલે કે ઓપનિંગમાં જ ₹5,377નો જંગી વધારો નોંધાયો હતો.
દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,53,345ના હાઈ લેવલ સુધી પહોંચ્યો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹7,159ના બમ્પર ઉછાળાને દર્શાવે છે. હાલ ચાંદી ₹2,51,778ના સ્તરે ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹5,592 અથવા 2.27 ટકાની મજબૂતી દર્શાવે છે.
રોકાણકારો માટે શું સંકેત?
બજાર વિશ્લેષકોના મતે ભૂરાજકીય અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓમાં થતા ફેરફારોને કારણે કિંમતી ધાતુઓમાં અસ્થિરતા વધી શકે છે. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવના અંત પછી પણ રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ (Safe Haven Asset) તરીકે જોઈ રહ્યા છે, જેના કારણે બંને ધાતુઓમાં ખરીદીનો માહોલ મજબૂત બન્યો છે.
આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર ઇન્ડેક્સ, ક્રૂડ ઓઇલના ભાવ અને કેન્દ્રીય બેંકોની નીતિઓ સોના-ચાંદીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel