ફાંકડું અંગ્રેજી બોલીને સુમેરાબાનુએ એટીએસના સિનિયર અધિકારીઓ સામે કબૂલાત કરી કે ‘સર, હું સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલો કરવા તૈયાર હતી, રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોવાતી હતી.’ આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. માત્ર 12 સુધી ભણેલી પરંતુ દક્ષિણ ભારતમાં લગ્ન થયાં પછી તેણે સાસરીમાં જ અંગ્રેજી શીખી લીધું હતું. પતિ સાથે તકરાર થતાં તે બે સંતાન સાથે સુરત આવી ગઈ હતી અને કોર્ટ કેસ ચાલતો હોવાથી તેણે કોર્ટમાં પોતાના કેસની સુનાવણી ટાણે ત્યાંના સુરક્ષાઘેરાથી માંડીને જજ અને વકીલોની અવરજવરની પણ રેકી કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે સુમેરાબાનુએ ગાંધીનગર ભાજપના કાર્યાલય ‘કમલમ્’ અને ત્યાં આવતા-જતા કેટલાક નેતાઓની પણ રેકી કરી હતી. ગુજરાત એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે મુંબઈમાં 26/11 જેવો પ્લાન ઘડાયો હતો, અદ્દલ તેવો જ પ્લાન કાશ્મીરી આતંકીઓએ અફઘાનિસ્તાન જઈને હુમલો કરવા ઘડ્યો હતો. જેમ કે, બોટમાં ડ્રાયફ્રૂટ્સ સાથે રાખવાં, મધદરિયે બોટના ટંડેલની ગળું કાપી હત્યા કરવા ધારદાર છરો રાખવો. હાઈજેક બોટમાં જીપીએસ મારફતે નિશ્ચિત કાંઠે પહોંચવા જેવા તમામ પ્લાન કસાબ અને તેની ગેંગ જેવો જ હતો. કસાબ ગેંગ હુમલો કરવા ભારતમાં ઘૂસી હતી અને આ કાશ્મીરી આતંકીઓ ભારતમાંથી અફઘાનિસ્તાન જઈ હુમલો કરવાના હતા. તેનું કારણ એ કે, આ કાશ્મીરી આઈએસકેપી સાથે જોડાયેલા છે, જે તાલિબાની વિચારધારાના વિરોધી છે અને ઈસ્લામિક સ્ટેટની વિચારધારાને વરેલા છે.
સૂત્રોનું કહેવું છે કે પોરબંદર અને સુરતમાં ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડીને સુમેરાબાનુ સહિત ચારને પકડી પાડ્યાં હતાં ત્યારે ઝુબેર અહેમદ મુનશી (રહે. શ્રીનગર)ને વૉન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં એક પોલીસ ટીમ તાત્કાલિક શ્રીનગર જવા રવાના થઈ હતી અને માત્ર 24 કલાકમાં જ ગુજરાત પોલીસે શ્રીનગરમાંથી શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. હવે તેને ટૂંક સમયમાં જ ટ્રાન્ઝિટ વૉરન્ટ મેળવીને ગુજરાત લવાશે.
ગુજરાતમાં આતંકીઓને કોણ મદદ કરતું હતું તેની શોધખોળ શરૂ કરાઈ
પોલીસના મતે પોરબંદરમાં જે વ્યક્તિ મદદ માટે આવવાની હતી તે ન આવી પણ એક વાત નક્કી હતી કે આતંકીઓને ગુજરાતમાં લોકલ સપોર્ટ હતો. સુમેરાબાનુને કોણ મદદ કરતું હતું? તે જાણવું જરૂરી છે. ગુજરાત એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં જ અલ-કાયદાના આતંકીઓને પકડી પાડ્યા હતા. તેમના સ્લીપર સેલ તરીકે ઓળખાતા આવા મદદગારોની શોધખોળ અને તેમના પર વોચ રાખવાની યોજના ગુજરાત પોલીસે ઘડી હોવાનું એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ગુજરાતમાં હુમલાની તૈયારી અને ગુજરાતમાં રેડિકલાઈઝ થઈને બીજા દેશમાં ફિદાઈન હુમલાનો પ્લાન જેવા ગંભીર વિષયની પૂછપરછમાં હવે NIA, RAW, IB, જમ્મુ-કાશ્મીર એટીએસ ઉપરાંત પડોશી રાજ્યોની એટીએસ પણ જોડાશે.
DySP ને બાતમી મળી અને 10 દિવસ ઓપરેશન ચાલ્યું
ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP)ના આતંકીઓ ગુજરાત થઈ અફઘાનિસ્તાન પહોંચવાના હોવાની બાતમી 10 દિવસ પહેલાં મળી ત્યારથી જ તેમને ઝડપી લેવાનું ઓપરેશન શરૂ થયું હતું. પોલીસ 10 દિવસથી સતત તેમના પર નજર રાખતી હતી. જમ્મુ-તાવી ટ્રેન જોધપુર પહોંચી ત્યારે ટ્રેનમાં આતંકીઓને ઓળખીને તેમની આસપાસ ગુજરાત પોલીસની એક ટીમ ગોઠવાઈ ગઈ અને બે દિવસ તેમની પર નજર રાખી.
એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલને બાતમી મળી કે ISKPના ત્રણ આતંકી જમ્મુ-તાવી ટ્રેનમાં ગુજરાત આવવાના છે અને દરિયાઈ માર્ગે ગલ્ફ કન્ટ્રીમાં જવાના છે. ડીઆઇજી દીપન ભદ્રનને આ બાતમી અપાઈ ત્યારે તેમણે પ્રોટોકોલ પ્રમાણે પહેલાં ડીજીપી વિકાસ સહાયને જાણ કરી. ત્યાર બાદ આ બાતમીની જાણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ કરાઈ. તેમણે ‘ગો અહેડ’ કહેતાં જ ગુપ્ત ઓપરેશન શરૂ થયું. હાનન હયાત, હાઝિમ શાહ અને ઉબેદ મીર ત્રણેય શ્રીનગરથી ટ્રેનમાં નીકળ્યા ત્યારથી તેમના પર નજર રખાઈ. તેમની ટ્રેનની ટિકિટ અને કોચ ઉપરાંત તેમની આસપાસ કયા કયા પેસેન્જર છે તેની પણ તપાસ કરાઈ.
આતંકીઓ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઊતર્યા
ટ્રેન રાજસ્થાનમાં પ્રવેશી કે ગુજરાત એટીએસની ટીમ જોધપુર પહોંચી ગઈ હતી અને આતંકીઓ ગુજરાતમાં કોઈ સ્ટેશન પર ફરાર ન થઈ જાય માટે પોલીસ ખાનગી વેશમાં આઠ જૂને પરોઢે જ તેમના કોચમાં સવાર ગોઠવાઈ ગઈ. આતંકીઓ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઊતર્યા ત્યારે કોચમાં સવાર પોલીસ કર્મચારીઓએ બહાર ખાનગી વેશમાં હાજર પોલીસકર્મીઓને જાણ કરી બીજી ટીમે અલગ વેશમાં તેમનો પીછો શરૂ કર્યો.
આતંકીઓએ એક હોટલ બહાર વીસેક મિનિટ કોઈની રાહ જોઈ
ડીઆઇજી દીપન ભદ્રન, સિનિયર એસપી સુનિલ જોષી અને ડીવાયએસપી કે. કે. પટેલ રોડ માર્ગે પહેલાં જામનગર પહોંચ્યા પરંતુ ટ્રેનમાં સવાર પોલીસે માહિતી આપી કે આતંકી અહીં નથી ઊતર્યા એટલે ત્રણેય અધિકારી પોરબંદર સ્ટેશને ગયા. ત્યાં આતંકીઓ એક હોટલ બહાર વીસેક મિનિટ કોઈની રાહ જોઈ. પોલીસ ત્યારે પણ તેમની આસપાસ હતી. પોલીસ તેમના મદદગારને પણ પકડવા માગતી હતી પરંતુ તે ન આવતાં ત્રણેયની ધરપકડ કરી લેવાઈ.