Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં

ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં

ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ અને વાત્રક નદીના જોખમી વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ તથા ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપનાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રતિબંધ 9 જુલાઈથી 6 સપ્ટેમ્બર 2026ના રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

આશરે 5 કિલોમીટરના જોખમી વિસ્તારમાં પ્રતિબંધ

જાહેરનામા અનુસાર, વાત્રક નદીના આશરે 5 કિલોમીટર લાંબા પ્રવાહ વિસ્તારમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. તેમાં જીતપુર-આંબલીયારા પ્રવેશ માર્ગ-1 નજીક આવેલા ઝાંઝરી ધોધથી લઈને ગંગેશ્વર મહાદેવ તરફના પ્રવેશ માર્ગ-3 પાસેના ચેકડેમ સુધીનો વિસ્તાર સામેલ છે.

આ વિસ્તારમાં નદી કે ધોધના પાણીમાં ઉતરવું, નહાવું, નદીકિનારાની લપસણી શીલાઓ અને કોતરો સુધી જવું તેમજ જોખમી સ્થળોએ ઊભા રહી ફોટોગ્રાફી કરવી પ્રતિબંધિત કરવામાં આવી છે. વહીવટી તંત્રના મતે ઊંડા પાણીના ધરા, તેજ પ્રવાહ, પથ્થરો પર જામી ગયેલી લીલ અને લપસણી સપાટી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

છેલ્લા 25 વર્ષમાં અનેક જીવલેણ અકસ્માતો

જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામામાં જણાવાયું છે કે છેલ્લા 25 વર્ષ દરમિયાન ઝાંઝરી ધોધ અને વાત્રક નદી વિસ્તારમાં ડૂબી જવા, પાણીના પ્રવાહમાં તણાઈ જવા તથા લીલવાળા પથ્થરો પરથી લપસીને ખડકો પર પટકાવાની અનેક જીવલેણ ઘટનાઓ બની છે.

પોલીસ બંદોબસ્ત અને પાણીમાં ન ઉતરવા અંગે ચેતવણીનાં બોર્ડ હોવા છતાં કેટલાક પ્રવાસીઓ સૂચનાઓનો ભંગ કરતા હોવાથી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહ્યું હોવાનું જાહેરનામામાં જણાવાયું છે.

ઝાંઝરી ધોધનો દુર્ઘટનાઓનો ઇતિહાસ પણ ચિંતાજનક રહ્યો છે. મે 2022માં અમદાવાદના ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા અને મૃતદેહો શોધવા NDRFની મદદ લેવી પડી હતી. મે 2024માં પણ ધોધમાં નહાવા પડેલા ત્રણ યુવકો પૈકી બેના મોત થયા હતા, જ્યારે એક યુવકનો બચાવ થયો હતો.

પ્રતિબંધનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને ભંગ કરનાર સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

ઝાંઝરી ધોધ કેમ છે પ્રવાસીઓમાં લોકપ્રિય?

ઝાંઝરી ધોધ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલું જાણીતું પ્રવાસન અને ધાર્મિક સ્થળ છે. આ સ્થળ બાયડથી આશરે 12 કિલોમીટર દૂર છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ધોધના નીચાણવાળા વિસ્તારમાં સખત પથ્થરના ધોવાણને કારણે ઊંડી બખોલો બની છે, જેમાં પાણી ભરાયેલું રહે છે. બહારથી સામાન્ય દેખાતો વિસ્તાર અંદરથી ઊંડો અને જોખમી હોઈ શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.