ભારતમાં દરેક વ્યક્તિને વડીલો દ્વારા ગળથૂથીમાંથી એક પાયાની બાબત શીખવડાવામાં આવે છે કે જેટલી ચાદર લાંબી હોય તેટલા જ પગ પસારવા(લંબાવવા) જોઈએ અર્થાત્ મોટાપો દેખાડવા આવડત કરતાવધુ આગળ ન વધવું જોઈએ. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા કહેવાતી અમેરિકામાં આ કહેવત શીખવાડનાર જાણે કોઈ છે જ નહિ. વર્ષોથી ક્રેડિટ પર ચાલતા અર્થતંત્રની હાલત હવે દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. તાજેતરના અહેવાલ અનુસાર અમેરિકામાં ક્રેેડિટ કાર્ડ યુઝર્સ પરનું દેવું એટલેકે ઉઘારી પર લીધેલ માલસામાન-સર્વિસના બાકી લેણાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ક્રેડિટ કાર્ડ યુઝર્સની લેણી રકમનું આ રેકોર્ડ લેવલે અર્થતંત્ર માટે નકારાત્મક સંકેત છે.
યુએસની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે અહેવાલ આપ્યો છે કે અમેરિકામાં લોકો પર ક્રેડિટ કાર્ડની લેણી રકમ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યું કે ક્રેડિટ કાર્ડનું કુલ દેવું ૯૮૮ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ આંકડો અમેરિકામાં પરિવાર દીઠ આશરે ૧૦,૦૦૦ ડોલર એટલેકે ભારતીય રૂપિયામાં ૮.૨૬ લાખના દેવા સમાન છે.
કન્ઝયુમર ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની બેન્કરેટે જણાવ્યું છે કે લગભગ અડધા (૪૬ ટકા) કાર્ડધારકો દર મહિને તેમના બેલેન્સને કેરી ફોરર્વડ જ કરે છે. ટેક્નોફિનોના સ્થાપક સુમંત મંડલે જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ ઘણી સગવડ આપે છે અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બચતમાં પણ મદદ કરે છે. પરંતુ, જ્યારે દુરુપયોગ થાય છે ત્યારે તે અસહ્ય આર્થિક અને માનસિક દબાણ પણ ઉભું કરે છે.
મંડલે કહ્યું કે યુએસમાં ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ વિશ્વ જગત માટેનું ચિંતાનું કારણ બની શકે છે. સૌથી અર્થવ્યવસ્થામાં આ પ્રકારનો ઉઘારી આંકડો વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એટમ બોમ્બ સમાન છે. ઉંચા વાર્ષિક ટકાવારી દર સાથે ણનું ઊંચું સ્તર સારું નથી. ખાસ કરીને ૨૦૨૨થી ફેડે ફુગાવના ડામવા માટે કરેલા વ્યાજદરમાં વધારાને કારણે ઉંચી વ્યાજ જાવક આગામી સમયની મહામંદી નોતરી શકે છે અને ડિફોલ્ટનો પણ મોટો ખતરો છે.