અમદાવાદના શેલા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણીની હિલચાલ નોંધાતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. બે દિવસ પહેલાં શરણદીપ સોસાયટીને અડીને આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી હતી. હવે ફરી વહેલી સવારે પાર્ક કરેલી કાર નીચેથી દીપડાનું બચ્ચું બહાર નીકળતું જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા કેટલાક રહીશોએ ગ્રીનફિલ્ડ સોસાયટી નજીક પાર્ક કરેલી એક કારની નીચેથી જંગલી પ્રાણી બહાર નીકળતું જોયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ CCTV વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ
ઘટનાની માહિતી મળતા વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા સોસાયટીની આસપાસના ખુલ્લા પ્લોટ, ઝાડીઓ, ખેતર વિસ્તાર અને સંભવિત છુપાવાના સ્થળો પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
વન વિભાગની વિવિધ ટીમો છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, ભારે શોધખોળ અને સતર્કતા છતાં હજુ સુધી જંગલી પ્રાણીને પાંજરે પૂરવામાં સફળતા મળી નથી.
સ્થાનિકોને વહેલી સવારે અને રાત્રે બહાર ન નીકળવાની સલાહ
દીપડા જેવી હિલચાલની આશંકાને પગલે સ્થાનિક રહીશોને રાત્રિના સમયે તેમજ વહેલી સવારે એકલા બહાર ન નીકળવા, બાળકો અને પાળતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણી દેખાવાની ઘટનાથી શેલા, શરણદીપ સોસાયટી અને ગ્રીનફિલ્ડ સોસાયટીના રહીશોમાં ચિંતા વધી છે. સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ ઝડપથી જંગલી પ્રાણીને શોધીને સુરક્ષિત રીતે પકડવાની માંગ કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel