અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બહેરામપુરાના ચારમાળિયા ખાતે મોડી રાત્રે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. સંતોષનગર નજીક ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષના યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગળા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની સાથે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન એક શંકાસ્પદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.
NDPSના ગેરકાયદેસર ધંધાની અદાવત હોવાની ચર્ચા
પ્રાથમિક માહિતી અને સ્થાનિક લોકોના દાવા અનુસાર, હત્યા પાછળ NDPS એટલે કે નાર્કોટિક્સના ગેરકાયદેસર ધંધાને લઈને ચાલતી જૂથ અદાવત જવાબદાર હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી બે જૂથો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો અને અગાઉ પણ જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. NDPSના ધંધા સાથે ઘટનાનો કોઈ સીધો સંબંધ છે કે કેમ, હુમલામાં કેટલા લોકો સામેલ હતા અને મૃતકને શા માટે નિશાન બનાવવામાં આવ્યો તે સહિતના તમામ મુદ્દાઓની પોલીસ તપાસ કરી રહી છે.
મૃતકના ભાઈએ લગાવ્યા ગંભીર આરોપ
મૃતકના ભાઈ અફઝલ યાસીન સૈયદે જણાવ્યું હતું કે તેઓ બહેરામપુરાના સંતોષનગર ચારમાળિયા વિસ્તારમાં રહે છે. તેમના આક્ષેપ મુજબ, એક નંબર ગેટ નજીક રહેતા હુસૈન સહિત ચારથી પાંચ વ્યક્તિઓએ ભેગા મળી તેમના ભાઈના ગળા પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી.
અફઝલે દાવો કર્યો કે એમડી ડ્રગ્સના ધંધાને લઈને છેલ્લા આશરે 15 દિવસથી બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી હતી. તેમણે પોલીસને અગાઉથી સમગ્ર બાબતની જાણ હોવા છતાં પૂરતી કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો.
મૃતકના ભાઈએ વધુમાં દાવો કર્યો કે આ જ લોકો દ્વારા બે દિવસ પહેલાં અન્ય એક યુવક પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, પરિવારના આ તમામ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
આંખોદેખી સાક્ષીએ શું જણાવ્યું?
ઘટનાસ્થળે હાજર એક મહિલાએ દાવો કર્યો હતો કે મૃતક યુવકનો જૂથોના વિવાદ સાથે કોઈ સંબંધ નહોતો અને તે રિક્ષા ચલાવીને જીવનનિર્વાહ કરતો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, યુવક નજીક ઊભો હતો ત્યારે પાંચથી છ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેનો પીછો કરીને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
મહિલાએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ મોડાં પહોંચ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે જ વિસ્તારમાં ચાલતા કથિત ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર અને કેટલાક લોકો સામે અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો દાવો કર્યો હતો.
મહિલા દ્વારા પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, આ આરોપો અંગે પોલીસનું સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી. તેથી આરોપોને તપાસ હેઠળના દાવા તરીકે જ જોવામાં આવે છે.
એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ ચાલુ
દાણીલીમડા પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર, આરોપીઓનો ઘટનાસ્થળ સુધી પહોંચવાનો માર્ગ અને હત્યા બાદ તેઓ કઈ દિશામાં ફરાર થયા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે એક આરોપીને ઝડપી પૂછપરછ શરૂ કરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. મૃતકના પરિવારજનો, સ્થાનિક સાક્ષીઓ અને અગાઉ થયેલી ફરિયાદોની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.
ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હત્યાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel