બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જેમાં ગુજરાતમાં હાલ NDRFની 15 ટીમ ઉપલબ્ધ છે. જેમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો જોતા ગુજરાતને વધુ 4 NDRFની ટીમ ફાળવાઈ છે. તેમાં પુણેથી NDRFની વધુ ચાર ટીમ ગુજરાતમાં ડિપ્લોય કરાઇ છે.
મુંબઈથી NDRFની વધુ બે ટીમ ડિપ્લોય કરાઈ હતી. તેમજ પંજાબ, તામિલનાડુ, ઓડિશાથી NDRF ફાળવાઈ છે. 15માંથી 12 ટીમ ડિપ્લોય, 3 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં NDRFની 2 – 2 ટીમ સાથે મોરબી, ગીર સોમનાથમાં NDRFની 1 – 1 ટીમ તથા જૂનાગઢ, રાજકોટમાં NDRFની 1 – 1 ટીમ પહોંચી છે.
ગુજરાતમાં લેન્ડફોલ કરી રહેલા ચક્રવાત બિપોરજોયના ભયના કારણે ભારે ચિંતા સર્જાઈ છે. આ તોફાનના અનિયમિત વર્તને તેના માર્ગની આગાહી કરવી મુશ્કેલ બનાવી દીધી છે. શરૂઆતમાં દ્વારકા અને માંગરોળ વચ્ચે ક્યાંક ત્રાટકવાની ધારણા હતી, ત્યારથી ચક્રવાતનો માર્ગ બદલાઈ ગયો છે. હવે કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાચી સુધી ગમે ત્યાં ત્રાટકી શકે તેવી આશંકા છે.
કોસ્ટગાર્ડના બે હેલીકોપ્ટર રાજકોટ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રખાયા છે. જેમાં બે ટીમના 10 જવાનો આવ્યા છે. જેમાંથી એક ટીમે હેલીકોપ્ટર સાથે માધવપુર ઘેડના દરિયાનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને દરિયાના કરન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. બંને હેલીકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ જરૂર પડયે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રાહત બચાવ કાર્યમાં જશે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને ટકરાવવાનું છે. હેલ્થ ઈમરજન્સી સર્જાય તો એઈમ્સના તબીબોની ટીમ જરૂરી તમામ દવાઓ સાથે સજ્જ રહેશે અને રાજ્ય સરકારને મદદરૂપ બનશે. રાજકોટ જિલ્લો યલો ઝોનમાં હોવાથી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે અને નાયબ મામલતદાર સહિતના કર્મીઓને 24 કલાક ઓન ડયુટીના ઓર્ડર કરાયા છે.