રાજ્યમાં ‘રેડ એલર્ટ’ વચ્ચે વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. શુક્રવાર, 31 જુલાઈની વહેલી સવારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના સાગબારા અને ગરુડેશ્વરમાં સૌથી વધુ અંદાજે 4.65 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે.
ભારે વરસાદને કારણે સુરત, વડોદરા, ભરૂચ, ખેડા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગ, NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.
ગુજરાતના 13 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે 31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMDની ચેતવણી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ સાથે ગાજવીજ, વીજળી અને તેજ પવનની પણ શક્યતા છે.
9 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા
બાળકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યના નવ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ અને જળબંબાકારને કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં પણ 31 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક
ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ સંબંધિત વિભાગોને જરૂરી સાધનો, બચાવ ટીમો, વાહનો અને સંચાર વ્યવસ્થા સાથે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.
તમામ જિલ્લા કલેક્ટરોને વરસાદ, નદીઓની જળસપાટી, ડેમોની આવક અને નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ પર સતત નજર રાખવા જણાવાયું છે. ગુજરાત પોલીસ, NDRF અને SDRF દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈયારીઓ વધારવામાં આવી છે.
સુરતમાં ખાડી પૂરનો ગંભીર ખતરો
સુરતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે શહેરની ખાડીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સંભવિત ખાડી પૂરની પરિસ્થિતિ અંગે ચેતવણી આપી છે.
ખાડી કિનારાના તેમજ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વરસાદી પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોનું સ્થળાંતરણ શરૂ કરવામાં આવ્યું છે. મનપાની ટીમો દ્વારા માઇક અને સ્પીકરની મદદથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જાહેરાત કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગની ગાડીઓ, બચાવ ટીમો અને રેસ્ક્યુ બોટને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. સુરત જિલ્લા અને શહેર પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પૂર્વસાવચેતીની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં NDRF-SDRF તૈનાત, આર્મીની ટીમોની માગ
રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સુરતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મોટી કટોકટી સર્જાય તો બચાવ કામગીરી માટે આર્મીની બે ટીમ ઉપલબ્ધ કરાવવા પણ માગ કરવામાં આવી છે.
વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
પાવાગઢ યાત્રા બે દિવસ ટાળવા અપીલ
પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભક્તોને આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા ટાળવા અપીલ કરી છે.
પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન, પગથિયાં પર લપસવાની તેમજ માર્ગ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભક્તોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર
છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી વરસેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી ભારે પાણીની આવકના કારણે હેરણ નદી બે કાંઠે વહી રહી છે.
રાજવાસણા ખાતે નવો બનાવવામાં આવેલો રબર ડેમ પાણીમાં ગરકાવ થઈ ઓવરફ્લો થયો છે. નદીમાં નવા નીરની આવક અને પાણીનો સંગ્રહ વધતાં પંથકના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોકે નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
અશ્વિન નદીના પ્રવાહમાં યુવક ફસાયો
નસવાડી વિસ્તારમાં અશ્વિન નદીમાં આવેલા ઘોડાપૂર દરમિયાન ગામ બહાર આવેલી દરગાહ નજીક એક યુવક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો હોવાની ઘટના સામે આવી છે.
સ્થાનિક તંત્ર અને બચાવ ટીમોને ઘટનાની જાણ કરવામાં આવી છે. ભારે પ્રવાહને કારણે નદી, નાળા કે કોઝવે પાર કરવાનો પ્રયાસ ન કરવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
બાલાસિનોરમાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં માત્ર બે કલાકમાં અંદાજે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.
વડોદરામાં વરસાદ થમ્યા બાદ પણ પાણી ભરાયેલાં
વડોદરામાં વરસાદની તીવ્રતા ઘટ્યા બાદ પણ અલકાપુરી ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતાં અનેક વાહનો બંધ પડી ગયાં હતાં. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા પાણીના નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર
ભરૂચમાં ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
સ્થાનિક અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાણીના નિકાલ અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
નડિયાદમાં એક ઇંચથી વધુ વરસાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ટૂંકા સમયમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નવસારીના ગણદેવીમાં સ્થળાંતરણ
નવસારી જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. ગણદેવીના વાડી વિસ્તાર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા નદીઓની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં હાલમાં વરસાદને અસર કરતી ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવાનું જણાવાયું છે:
- ડીપ ડિપ્રેશન
- મોનસૂન ટ્રફ
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને થંડરસ્ટ્રોમની શક્યતા રહેશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઊંચાં મોજાં અને દરિયો તોફાની બનવાની સંભાવનાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
લોકોને તંત્રની અપીલ
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા રસ્તા, કોઝવે, નાળા અને નદીના પટમાંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. વીજળીના થાંભલા, ખુલ્લા તાર અને ઝાડથી સુરક્ષિત અંતર રાખવા તેમજ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.
નાગરિકોએ વરસાદ અને પૂર સંબંધિત માહિતી માટે માત્ર હવામાન વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓને અનુસરવી જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel