શહેરના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. યુવતી પર દુષ્કર્મના આરોપમાં ઝડપાયેલા ધરમસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ઘટના સ્થળના પંચનામા માટે તેને હેબતપુર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેણે પોલીસની પકડમાંથી છટકવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન એક પોલીસકર્મી સાથે ઝપાઝપી પણ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ ગંભીર બનતાં અને આરોપીને ભાગતો અટકાવવા તેમજ સ્વબચાવ માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં ધરમસિંહના પગના ઘૂંટીના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં દીકરી પર દુષ્કર્મ કરનાર આરોપી સામે ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી લંગડાતો અને કણસતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આરોપી પોલીસ સમક્ષ કહેતો જોવા મળ્યો, “સાહેબ, એક વાર માફ કરી દો… ફરી ક્યારેય આવું નહીં કરું.”
પંચનામા દરમિયાન ભાગવાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ આરોપી ધરમસિંહને હેબતપુર વિસ્તારમાં કેસ સાથે સંબંધિત સ્થળના પંચનામા માટે લઈ ગઈ હતી. કાર્યવાહી દરમિયાન તેણે અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસનો દાવો છે કે ભાગતી વખતે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એક પોલીસકર્મીની રિવોલ્વર છીનવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને કાબૂમાં લેવા અને સંભવિત જોખમને અટકાવવા માટે સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગ દરમિયાન ધરમસિંહના પગના એન્કલ એટલે કે ઘૂંટીના ભાગે ગોળી વાગી હતી.
ગોળી વાગ્યા બાદ આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ કસ્ટડી હેઠળ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલ તેની સારવાર તબીબી દેખરેખ હેઠળ ચાલી રહી છે.
સોલા સિવિલ હોસ્પિટલના SICUમાં સારવાર
ધરમસિંહને સોલા સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા SICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબોએ તેના પગનું ઓપરેશન કર્યું હોવાનું જાણવા મળે છે.
હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં પોલીસકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા છે અને આરોપીની સુરક્ષા સાથે કસ્ટડી પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ઝપાઝપીમાં પોલીસકર્મી પણ ઘાયલ
આ સમગ્ર ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા. શરૂઆતમાં તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પોલીસ વિભાગ દ્વારા પોલીસકર્મી પર થયેલા હુમલા, કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસ અને હથિયાર છીનવવાના પ્રયાસ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જોધપુર દુષ્કર્મ કેસને લઈને તપાસ યથાવત
જોધપુર વિસ્તારમાં બનેલા દુષ્કર્મ કેસને લઈને પોલીસ પહેલેથી જ તપાસ કરી રહી છે. આરોપી ધરમસિંહ સામે લાગેલા ગંભીર આરોપોના સંદર્ભમાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હવે કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસ અને પોલીસકર્મી સાથે થયેલી ઝપાઝપીના બનાવની અલગથી પણ તપાસ કરી શકે છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર તપાસ અને કાનૂની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
એકલતાનો લાભ ઉઠાવી આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, પીડિત યુવતી જ્યારે મકાનની છત પર ગઈ હતી, ત્યારે ત્યાં કોઈ હાજર ન હોવાથી સિક્યુરિટી ગાર્ડે યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આરોપી સિક્યુરિટી ગાર્ડે યુવતી પર જબરદસ્તી કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ ગભરાઈ ગયેલી યુવતીએ પોતાના પરિવારજનોને આ અંગે આપવીતી જણાવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel