ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ગત રાત્રે કાર અને બે રિક્ષા વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. તાલાલાથી આશરે પાંચ કિલોમીટર દૂર સાસણ રોડ પર બનેલી આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અંદાજે 14 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક તાલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા આઠ દર્દીઓને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
સાસણ રોડ પર ઓવરટેક દરમિયાન અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ફિરોઝભાઈની રિક્ષામાં સવાર મુસાફરો જૂનાગઢ ખાતે યોજાતા ઉર્ષમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. તાલાલા-સાસણ રોડ પરથી પસાર થતી વખતે રિક્ષાના ચાલકે આગળ જઈ રહેલી શકુર બ્લોચની રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન સામેથી આવતી કાર અને ફિરોઝભાઈની રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરના કારણે રિક્ષા પાછળથી આવતી બીજી રિક્ષા સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બીજી રિક્ષા રસ્તા પર પલટી મારી ગઈ હતી. એકસાથે ત્રણ વાહનો અકસ્માતનો ભોગ બનતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
મહિલાઓ અને બાળકો સહિત 14 મુસાફરો ઈજાગ્રસ્ત
આ ટ્રિપલ અકસ્માતમાં બંને રિક્ષામાં સવાર મહિલાઓ અને બાળકો સહિત અંદાજે 14 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તાલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ગંભીર રીતે ઘવાયેલા 8 દર્દીઓ જૂનાગઢ રિફર
તાલાલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજાઓ ધરાવતા આઠ દર્દીઓને વધુ સઘન સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. રિફર કરાયેલા દર્દીઓમાં ચાર મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે.
અકસ્મતમાં એકસાથે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાની જાણ થતાં તાલાલા હોસ્પિટલ ખાતે સીદી સમાજના લોકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
તાલાલા પોલીસે તપાસ શરૂ કરી
અકસ્મતની માહિતી મળતાં તાલાલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવના સ્થળનું નિરીક્ષણ કરીને અકસ્માતનો ભોગ બનેલી બંને રિક્ષા અને કારનો કબજો લીધો હતો.
ત્યારબાદ પોલીસ અધિકારીઓ તાલાલા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તો તથા અન્ય લોકો પાસેથી બનાવ અંગેની પ્રાથમિક માહિતી મેળવી હતી. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel