કર્ણાટકના મૈસુરુ જિલ્લામાંથી સનાતન ધર્મના શ્રદ્ધા કેન્દ્ર સાથે ચેડાં કરવાની ઘટના સામે આવી છે. મૈસુરુના કે.આર. નગર તાલુકાના એક ગામમાં આવેલા ઐતિહાસિક શ્રી અરકેશ્વર સ્વામી મંદિરની પવિત્ર દીવાલ પર લાલ રંગથી ક્રોસ અને લીલા રંગથી મસ્જિદનાં ચિત્રો દોરવામાં આવતાં સ્થાનિક હિંદુઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. શ્રદ્ધાળુઓનું સ્પષ્ટ કહેવું છે કે સદીઓ જૂના આ મંદિરની પવિત્રતા, મર્યાદા અને સનાતની પરંપરાઓને ધ્વસ્ત કરવાનું આ એક સુનિયોજિત ષડયંત્ર છે.
તંત્ર હરકતમાં આવ્યું, વિવાદાસ્પદ ચિહ્નો હટાવાયાં
ઘટનાને પગલે વ્યાપેલા તીવ્ર વિરોધ અને આક્રોશને જોતાં વહીવટી તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાલુકા મામલતદાર સુરેન્દ્ર મૂર્તિ તેમજ મૈસુરુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. વહીવટી તંત્રએ મંદિરનું નિરીક્ષણ કર્યા બાદ તુરંત જ દીવાલ પર દોરવામાં આવેલાં વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
બે લોકો સામે ગુનો નોંધાયો
પોલીસ અને સ્થાનિક અહેવાલો અનુસાર, વહીવટી જવાબદારી સંભાળતી મહિલા આરતી અને વિનય નામના એક શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ મુજબ, વિનયે આરતીના કહેવાથી મંદિરની દીવાલ પર આ ચિત્રો બનાવ્યાં હતાં. મૈસુરુ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.
ભાજપ નેતાઓના કોંગ્રેસ સરકાર પર પ્રહાર
આ ઘટના બાદ કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કોંગ્રેસ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ઐતિહાસિક અરકેશ્વર મંદિર પરિસરમાં અન્ય પંથ-મજહબોનાં પ્રતીકો દોરવાં એ સનાતન ધર્મ અને હિંદુ પરંપરાઓ પર સીધો પ્રહાર છે.” તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
બીજી તરફ, કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે પણ રાજ્યની કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે સવાલ ઉઠાવતાં પૂછ્યું કે, “શું કોંગ્રેસ સરકાર કોઈ મસ્જિદ કે ચર્ચની દીવાલ પર ત્રિશૂળ અથવા ‘ઓમ’નું (ૐ) પ્રતીક દોરવાની મંજૂરી આપશે?” તેમણે ઉમેર્યું કે ધાર્મિક સૌહાર્દના નામે માત્ર હિંદુ શ્રદ્ધાકેન્દ્રોને જ કેમ લક્ષ્ય બનાવવામાં આવે છે.
હિંદુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન
આ ઘટનાના વિરોધમાં મૈસુરુના વિવિધ હિંદુ સંગઠનો એકજૂટ થયાં છે. અહેવાલો મુજબ, વિવિધ હિંદુ સંગઠનોએ જિલ્લા ડેપ્યુટી કમિશનરની કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજીને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. સંગઠનોની સ્પષ્ટ માગ છે કે આ ઘટના પાછળ રહેલા મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) અને આદેશ આપનારાઓ સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












