પોરબંદર, સુરત અને શ્રીનગરથી ઝડપાયેલ પાંચેય ISKPના આતંકીઓ જેહાદ અને ધાર્મિક કટ્ટરતા લોકોમાં ફેલાવવા માટે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીને ચર્ચા કરીને સમગ્ર પ્લાન ઘડતા હતા. ISKPની ગતિવિધિ થતી હોય તેવા ટેલિગ્રામ પરથી પાંચ ગ્રુપ મળી આવ્યા છે. જેમાં આ પાંચેય આરોપીઓના બે ગ્રુપ હોવાનું તપાસમાં ખુલ્યું છે. બીજી તરફ્, મેગા કાઉન્ડમાંથી મળેલ ઓડિયો વીડિયોનું FSLની ટીમ તપાસ કરશે આ ઉપરાંત તેમાં આવતા અવાજની સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
ઇસ્લામિક સ્ટેટ ઓફ્ ખોરાસન પ્રોવિન્સ એટલે ISKP આતંકી સંગઠનના પાંચ શખ્સોને ATSની ટીમે ઝડપી પાડયા છે. પાંચેય આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, ભારતનો હેન્ડલર ઝુબેર મુનશી પાકિસ્તાનમાં બેઠેલા અબુ હમઝાના ઈશારે ભારતમાં ISKP માટે કામ કરતો હતો. ઝુબેરે ભારતમાં તૈયાર કરેલા આતંકી ઉબેર, હનાન, હાજીમ અને સુમેરાબાનું સાથે વાતચીત કરવા તેમજ આદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત, 111, ઇસ્લામિક સ્ટેટ, ISKP ઇન્ડિયા નામથી અલગ અલગ પાંચ ગ્રુપ ટેલિગ્રામમાંથી ATSને મળી આવ્યા છે. પાંચ પૈકી 3 ગ્રુપમાં ઇન્ડિયા બહારના પણ આતંકીઓ ગ્રુપમાં સામેલ હોવાનું ATSના અધિકારીઓએ જણાવ્યું છે.
ભારત ઉપરાંત વિદેશમાંથી ઝુબેર અને સુમેરાબાનુએ ફ્ંડ એકત્રિત કર્યું છે. જો કે, ફ્ંડ કોણે આપ્યું અને ફ્ંડનો ઉપયોગ પાંચેય આતંકીઓએ ક્યાં કર્યો તે જાણવા તમામના પરિવારજનોના બેંક એકાઉન્ટની વિગતો બેંક પાસે માંગવામાં આવી છે. આ ઉપરાંત, આતંકીઓએ હવાલા મારફ્તે પૈસા સગેવગે કર્યા છે કે તે જાણવા ATSની ટીમે વધુ તપાસ હાથધરી છે.