કોરોના મહામારીમાં પડી ભાંગેલા અર્થતંત્રને અનેક આર્થિક બૂસ્ટરો આપ્યા છતા ફરી પાટે ન ચઢતા અંતે પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ મંગળવારે ટૂંકા ગાળાના મુખ્ય પોલિસી રેટમાં એકાએક ઘટાડો કર્યો.
પીબીઓસીએ તેના સાત-દિવસીય રિવર્સ રિપર્ચેઝ રેટમાં ૧૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને ૨ ટકાથી ઘટાડીને ૧.૯ ટકા કર્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે આ સાત દિવસીય રિપોઝ દ્વારા ૨ બિલિયન ચાઈનીઝ યુઆન એટલેકે અંદાજિત ૨૭૯.૯૭ મિલિયન ડોલરનું આર્થિક ઈન્જેક્શન આપવામાં આવ્યું છે.
ઓગસ્ટ પછી સેન્ટ્રલ બેંકનું આ પ્રથમ પગલું છે અને દેશની સૌથી મોટી બેંકોએ ગત અઠવાડિયે ડિપોઝિટ રેટમાં ઘટાડો કર્યો છે, જે સંકેત આપે છે કે આગામી સમયમાં મોનિટરી પોલિસી વધુ ઢીલી કરવામાં આવશે. પીબીઓસીના મિડિયમ-લેન્ડિંગ ફેસિલિટી વ્યાજ દરનો નિર્ણય ગુરૂવારે જાહેર થવાનો છે જ્યારે ચીનના બેંકો માટે લોન પ્રાઇમ રેટ ૨૦ જૂને રિલીઝ થશે.
આ નિર્ણય બાદ ચીનના સોવરિન બોન્ડની કિંમતમાં વધારો થયો હતો. દેશના ૧૦-વર્ષના સરકારી બોન્ડ પરની યિલ્ડ લગભગ ૪ બેસિસ પોઈન્ટ ઘટીને નવ મહિનાની ટોચે ૨.૬૪૫ ટકા પર પહોંચી છે. મંગળવારના વ્યાજદરમાં ઘટાડા સાથે ઓનશોર ચાઈનીઝ યુઆન સામે ડોલર વધીને ૭.૧૬૧૦ પર પહોંચ્યો હતો, જે નવેમ્બર બાદનું ટોચ છે.