શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ યોજાવાની હતી. જો કે બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી છે.
આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે, તેમ તેમ તેની સામે અડીખમ રહેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાથી લઈને NDRF,SDRFને સ્ટેન્ડબાય રાખવા સુધીના પ્રયત્નો હાથ ધરાયા છે.