મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જેને પગલે વધુ નવ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મણિપુરમાં હિંસાનો માહોલ છે. જેને પગલે આ સમયગાળા દરમિયાન હિંસામાં મૃત્યુ પામેલાની કુલ સંખ્યા ૧૧૫ને પાર પહોંચી ગઇ છે. કૂકી અને મૈતેઇ સમુદાય વચ્ચે ફાટી નિકળેલી હિંસામાં અનેક લોકો ઘવાયા છે. જ્યારે તાજેતરમાં ફરી ઇમ્ફાલના કેટલાક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી છે.
મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓએ હથિયારો સાથે કૂકી આદિવાસીઓના ગામ પર હુમલો કરી દીધો હતો. રાત્રે ૧૦ વાગ્યે કૂકીઓના આ ગામમાં ઉગ્રવાદીઓ ઘૂશ્યા હતા અને આડેધડ ગોળીબાર કર્યો હતો. જે સામે આવ્યું તેને ગોળી મારીને તેઓ ભાગી ગયા હતા. જોકે ગોળીબારમાં કુલ નવ લોકો માર્યા ગયા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જોકે કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે તેમ પણ હોસ્પિટલ પ્રશાસને કહ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં અર્ધ સૈન્ય દળ અને પોલીસના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઇમ્ફાલના એસપી કે. શિવાકાંતસિંહે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં હિંસાને ટાળવા માટે આસામ રાઇફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે અને હુમલાખોરો સામે કાર્યવાહી ચાલી રહી છે, તેઓ જે દિશામાં ભાગ્યા ત્યાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. હાલ મણિપુરમાં કુકી અને મૈતેઇ સમુદાયના લોકોએ સામસામે ઉગ્રવાદી જુથો બનાવી લીધા છે અને હથિયારો સાથે એકબીજા પર હુમલા કરવા લાગ્યા છે.
હાલ જે હુમલો થયો તે મૈતેઇ સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા કરાયો હોવાનો દાવો ગામના કુકી આદિવાસીઓએ કર્યો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમે સુરક્ષા માટે હથિયારો ઉઠાવ્યા હતા પણ હુમલાખોર ઉગ્રવાદીઓની સંખ્યા વધુ હોવાથી કુકી સમુદાયના લોકોની જાનહાની વધુ થઇ છે. જ્યારે ગોળીબાર ચાલી રહ્યો હતો ત્યારે જ આસામ રાઇફલના જવાનો પહોંચી ગયા હતા જેમના પર પણ ઉગ્રવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ રખાઇ છે.