પાકિસ્તાનના કરાચીમાં લિયારીની બિહાર કોલોનીમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ દક્ષિણના ડીઆઈજી સૈયદ અસદ રઝાએ જણાવ્યું હતું કે, મોટર સાઈકલ પર આવેલા બે લોકોએ દુકાનની બહાર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો.
હુમલાખોરોએ ગ્રેનેડથી હુમલો કર્યો
ડોન અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, જે દુકાનની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગ્રેનેડથી હુમલો કર્યો તે ઘણા સમયથી બંધ પડી હતી. અધિકારીઓના જણાવ્યા મૂજબ, હુમલા કરવાના કારણોની તપાસ થઈ રહી છે. ડીઆઈજીએ જણાવ્યા અનુસાર, હુમલામાં 6 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા
ડીઆઈજીના જણાવ્યું હતું કે, ઘાયલ થયેલા તમામ લોકો ત્યાં ઉભા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોનના અહેવાલ મુજબ ઘાયલ લોકોની ઓળખ ઝોહૈબ જાવેદ, ખૈરુલ્લાહ, વંશ દિલીપ કુમાર, અહસાન નબી, અતીક આદમ અને આદિલ આદમ તરીકે થઈ છે.
હુમલા અંગે જાણ કરવાનો આદેશ આપ્યો
ડોનના અહેવાલ મુજબ સિંધના પોલીસ મહાનિરીક્ષક રફત મુખ્તાર રાજાએ SSP ઓલ્ડ સિટી એરિયાને હુમલા અંગે વિગતો આપવા સૂચના આપી છે. સિંધના ગવર્નર કામરાન ખાન ટેસોરીએ આ ઘટનાની નોંધ લીધી છે અને કરાચીના કમિશનરને હુમલા અંગે જાણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે હુમલામાં ઘાયલ થયેલા લોકોને જરૂરી તબીબી સારવાર આપવા પર ભાર મૂક્યો હતો.
આત્મઘાતી હુમલામાં 52 લોકોનો મોત
પાકિસ્તાન સ્થિત જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, 29 સપ્ટેમ્બરે બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં આત્મઘાતી વિસ્ફોટમાં 59 લોકોના મોત થયા હતા. એક આત્મઘાતી બોમ્બરે મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસે ઈદ મિલાદુન નબી સંબંધિત જુલૂસની તૈયારી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી અબ્દુલ રશીદના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા.