આજ કાલ દબાણનાં પ્રશ્નો વધી રહ્યા છે, તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાનાં ઓડ ગામનાં સરપંચ દ્વારા દબાણ કરાયું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગ્રામજનો એ આજે ભારે સુત્રોચાર કરી જિલ્લા કલેક્ટર કચેરી અરવલ્લીએ બસ એક જ માંગ કરી કે તેમના ગામની સરકારી જમીન ઉપર કરવામાં આવેલું દબાણ દૂર થાય. ગ્રામજનો એ તેવી લાગણી સાથે કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.
વિગતમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે તેમના ગામમાં આવેલ જમીન જેનો સર્વે નં 403 એ સરકારી પડતર જમીન છે. જ્યાંથી ગ્રામજનોનો અવરજવરનો રસ્તો છે. જેનો ઉપયોગ ગ્રામજનો કરતા હતા. પરંતુ તે રસ્તા ઉપર ગામના ખુદ સરપંચે દબાણ કરીને રસ્તો બંધ કરી દીધો છે. આ મામલા ની રજુઆત ભિલોડા તાલુકાનાં સ્થાનિક તંત્રને કરી હતી, તે છતાં કોઈ જ પરિણામ ના મળતાં ગ્રામજનો એ એકઠા થઇ અરવલ્લી જિલ્લા કલેક્ટરને ભારે રોષ સાથે રજુઆત કરાઈ હતી.
આ દબાણ વિષે આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચનાં આગેવાન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે આ સરકારી પડતર જગ્યા ઉપર એક એકરમાં ચાર થી પાંચ મકાન બનાવી દેવામાં આવ્યા છે. અને ગ્રામજનોનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, આ અંગેની જાણ તંત્રને કરવા છતાં તંત્ર આંખ આગળ આડા કાન કરતું હોય તેવું દેખાય રહ્યું છે
અહીં સવાલ એ ઉભો થાય છે કે તંત્રને જાણ કરવા છતાં સરકારી જમીન ઉપર જે દબાણ થયેલું છે, તેને હટાવાની જવાબદારી કોની? આ અંગે તંત્રે સજાગ થઇ સત્યતા ચકાસી યોગ્ય પગલા ભરી ગ્રામજનો નો અવર જવરનો રસ્તો ખુલ્લો થાય તેવી આશા ગ્રામજનો તંત્ર પાસે રાખી રહ્યા છે.