અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ( AUDA) દ્વારા કમોડ સર્કલ નજીક રીંગરોડ પર નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી શરૂ થાય ત્યારે વાહનોની અવરજવર માટે બ્રિજની બંને તરફ ડામરની જગ્યાએ RCCનો રોડ બનાવવાનો નિર્ણય લીધો છે. ડામરના રોડ તુટી જવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો હવે RCCનો રોડ બનતાં મુશ્કેલીઓ ઓછી થઈ જશે. તે ઉપરાંત ભવિષ્યમાં આ રોડને નુકસાન પણ નહીં થાય.
ઔડાના સુત્રોના જણાવ્યા પ્રમાણે પીરાણા ચાર રસ્તા નજીક કમોડ સર્કલ પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ દરમિયાન જે વાહનોની અવરજવર સાઈડના સર્વિસ રોડ પરથી થતી હોય છે. જેના કારણે સર્વિસ રોડ તૂટી જવાની ઘટનાઓ બને છે. જેથી બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન વાહનોની અવર જવર માટે મજબૂત આરસીસીનો સર્વિસ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અહીં થ્રી લેનનો રોડ બનશે જેથી ભારે વાહનોની ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકશે. સૌથી પહેલા આ RCC સર્વિસ રોડ બનાવવામાં આવશે અને ત્યારબાદ જ સાઈડમાં બ્રિજ બનાવવા માટે પાટિયા લગાવવામાં આવશે જેથી લોકોને કોઈ તકલીફ પડે નહીં. કમોડ સર્કલ નજીક બ્રિજની બંને તરફ RCC સર્વિસ રોડ બનાવવા માટેની દરખાસ્તને ઔડા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી આ બ્રિજ બનાવવાની કામગીરીમાં વધુ રૂ. 8 કરોડનો ખર્ચ થશે. આમ હવે રૂ. 95 કરોડના ખર્ચે કમોડ ઓવરબ્રિજ બનશે.