કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાતો કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત ગણાવે છે. પરંતુ જે હોય તે ગુજરાતની ધરા પર રહીને કૃષ્ણે તેને પવિત્ર કરી છે. ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની, કૃષ્ણની લીલાઓ થઈ છે. આમ તો કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધી તેમની હાજરી વર્તાય છે. પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજુદ છે. પોરબંદરની આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે. અહીં ગુફામાંની માટી માં પણ સોનાનો ભાગ જોવા મળે છે. આમ તો જાંબુવતીની ગુફા, અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં સેંકડો. ગુફાની છતમાંથી ટપકતાં પાણીથી જમીન પર શિવલિંગ બને છે. આ સ્વયંભૂ શિવલિંગના દર્શને વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
પાણીથી સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે
ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું
શ્રીકૃષ્ણ જાંબુવનને શોધતા શોધતા આ ગુફા સુધી આવ્યા. આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. ન તો કોઈ હાર્યું, ન તો કોઈ જીત્યું. પરંતુ આખરે જાંબુવને ભગવાન શ્રીકૃષ્ણથી પ્રભાવિત થઈને સામંત્યક મણિ તેમને સોંપી દીધો, સાથે પોતાની પુત્રી જાંબુવતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. અહિં ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવંતીનું પણ મંદિર આવેલું છે. લોકો ગુફાની મુલાકાત લઈને શ્રીકૃષ્ણ અને જાંબુવંતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જાંબુવંતીની ગુફામાં દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. આ જ સ્થળ પર રામેશ્વર બાપુની સમાધિ આવેલી છે. રામેશ્વર બાપુને ઘડિયાળ અતિ પ્રિય હતી અને બાપુ સમયને ખૂબ મહત્વ આપતા હતા. બાપુની સમાધી પાસે દિવાલ પર ઘણી બધી ઘડીયાળો લગાવેલી છે તે ઘડીયાળ જોઈ લોકોને અચરજ થાય છે. દિવાલ પર લગાવવામાં આવેલી ઘડીયાળો લોકોની માનેલી માનતા પૂર્ણ થાય તેમણે ચડાવેલી છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલી આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિક્સાવવામાં આવી છે. અંધારી ગુફામાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સ્થળ સુધી પહોંચવા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવંતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહી છે.