ભારતની ટોચની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ICMRએ કોરોના બાદ દુનિયામાં યુવાઓના વધી ગયેલા અચાનક મૃત્યુ પાછળના કારણોને જાણવા અને સમજવા માટે બે મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યા છે. ICMRના જનરલ ડિરેક્ટર ડૉ. રાજીવ બહલ 18 થી 45 વર્ષની વયે થનારા મૃત્યુની તપાસ માટે આ રિસર્ચ કરી રહ્યા છે.
ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટનું આયોજન
ગુજરાતના ગાંધીનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ (GCTM)ના અવસરે ડૉ. રાજીવ બહલે કહ્યું કે અમે કોઈ કારણ વિના જ અચાનક મૃત્યુ પામી જનારા કેસ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ અભ્યાસ આપણને કોરોના મહામારીના કહેરના પરિણામોને સમજવામાં મદદ કરશે અને ભવિષ્યમાં થનારા મૃત્યુઓને રોકવામાં મદદ કરશે.
‘અચાનક મૃત્યુ’ની વ્યાખ્યા સમજાવી ICMRએ
ICMRએ ‘અચાનક મૃત્યુ’ ની વ્યાખ્યા જણાવતા કહ્યું કે કોઈ એવા વ્યક્તિનું અનપેક્ષિત મૃત્યુ થઈ જવું જેને કોઈ બીમારીની જાણકારી નહોતી અને તે સ્વસ્થ હતો. અત્યાર સુધી ICMRએ નવી દિલ્હીમાં AIIMSમાં 50થી વધુ શબ અને ટેસ્ટનો અભ્યાસ કર્યો છે. આગામી મહિનાઓમાં આ આંકડો વધારીને 100 પરીક્ષણ સુધી લઈ જવાનું છે. ડૉ. બહલે કહ્યું કે અમે આ શબના પરિણામોની તુલના ગત વર્ષો કે કોરોના પહેલાના વર્ષોના પરિણામો સાથે કરીએ છીએ અને પછી અમે કારણો કે અંતરને સમજવાનો પ્રયાસ કરીએ છીએ.
ICMR શું સમજવા કરી રહ્યો છે પ્રયાસ
ICMR એ સમજવા પ્રયાસ કરી રહ્યો છે કે શું ખરેખર માનવ શરીરની અંદર કોઈ બદલાવ થઈ રહ્યો છે જે કોરોના બાદ દુનિયામાં યુવાઓના અચાનક થતાં મૃત્યુમાં ભૂમિકા ભજવી શકે છે? ડૉ. બહલે કહ્યું કે જો અભ્યાસમાં કોઈ પેટર્ન જોવા મળે તો તેનાથી આ મૃત્યુ સાથે કોરોનાને શું સંબંધ છે તે જાણી શકાશે. ઉદાહરણ તરીકે અચાનક હૃદયના ધબકારાં અટકી જવા કે ફેફસાં ખરાબ થવાને કારણે વધારે મૃત્યુ થાય છે. એક અન્ય અભ્યાસમાં ICMR 18થી 45 વર્ષની વયના લોકોમાં ગત એક વર્ષમાં થયેલા અચાનક મૃત્યુના ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે મૃત્યુ પાછળના સંભવિત કારણોને સમજવા માટે પરિજનોની પૂછપરછ પણ કરી રહ્યા છીએ.