પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વાર સત્તા સંભાળી લીધી છે. ગઈ કાલે શપથ લીધાં બાદ આજે પીએમ મોદીએ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ તરત પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ અને એચડી દેવગોડા તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલને ફોન લગાવીને ત્રીજા કાર્યકાળના આશીર્વાદ માગ્યાં હતા.
પીએમ મોદીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી
મોદી સરકારમાં તમામ મંત્રીઓના ખાતાંઓની વહેંચણી કરી દેવાઈ છે. ભાજપે તમામ મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. ભાજપે ચાર મહત્વના મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ પોતાની પાસે જાળવી રાખ્યાં છે જ્યારે સહયોગીઓને પણ સાચવ્યાં છે. અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, નિર્મલા સીતારામણ અને નીતિન ગડકરીને તેમના જુના ખાતામાં જાળવી રખાયાં છે તો પૂર્વ બે મુખ્યમંત્રીઓનું કદ વધાર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને મનોહરલાલ ખટ્ટરને ઊર્જા જેવા ભારેખમ મંત્રાલયો સોંપવામાં આવ્યાં છે.
એનડીએના સાથીઓને શું મળ્યું
ખાતાની ફાળવણીમાં એનડીએના સાથીઓને ખાસ કંઈ મળ્યું નથી. 16 બેઠકો સાથે NDAમાં સામેલ TDPના રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું છે. ટીડીપીના ચંદ્ર શેખર પેમ્માસાનીને ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેડીયુની વાત કરીએ તો લલન સિંહને પંચાયતી રાજ મંત્રાલય મળ્યું છે. જેડીયુના રામનાથ ઠાકુરને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આરએલડીના જયંત ચૌધરીને કૌશલ્ય વિકાસ વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. પાંચેય બેઠકો જીતનાર પક્ષ LJP રામવિલાસના વડા ચિરાગ પાસવાનને ફૂડ એન્ડ પ્રોસેસિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. તેમના પિતા રામવિલાસ પાસવાન પાસે પણ આ જ મંત્રાલય હતું. શિવસેનાના જાધવ પ્રતાપ રાવ ગણપત રાવને પણ આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે અને જીતન રામ માંઝીની પાર્ટીને માત્ર એક જ બેઠક મળી છે. તેમને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેડીએસના એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે જાળવી રાખ્યાં મહત્વના મંત્રાલયો
ભાજપે મોદી સરકારમાં મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખ્યાં છે જેમાં સંરક્ષણ, ગૃહ, આરોગ્ય, પરિવહન, વિદેશી બાબતો, નાણાં, શિક્ષણ, કાપડ, ઊર્જા, શહેરી વિકાસ, કૃષિ, વાણિજ્ય, ઊર્જા, શિપિંગ અને જળમાર્ગો, ઉપભોક્તા અને નવીનીકરણીય ઉર્જા, દૂરસંચાર મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, પ્રવાસન મંત્રાલયનો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ, શ્રમ મંત્રાલય, રમતગમત મંત્રાલય, કોલસા અને ખાણકામ, જલ શક્તિ મંત્રાલય. રામદાસ આઠવલેને સામાજિક ન્યાય વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અનુપ્રિયા પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રાસાયણિક ખાતર વિભાગમાં રાજ્ય મંત્રી હશે.
કેબિનેટની પહેલી બેઠકમાં 3 કરોડ નવા ઘર
ખાતાઓની ફાળવણી પહેલા મોદી કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી જેમાં મોટો નિર્ણય લેતાં 3 કરોડ નવા ઘર બાંધવાનું એલાન કરાયું હતું.