અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) વ્યવસ્થા પર નિયંત્રણ લાવવા માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે કોઈપણ PG સોસાયટીના ‘નો ઑબ્ઝેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. AMCએ શહેરના 385 જેટલા એનઓસી વિનાના PG સંચાલકોને નોટિસ ફટકારી છે, જે હવે નિયમો અનુસાર જરૂરી અરજી કરીને મંજૂરી મેળવવા માટે જવાબદાર બન્યા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ PGના કારણે રહેશીઓ અને આસપાસના વિસ્તારના લોકોને થતી અસુવિધાઓને દૂર કરવાનો છે.
PG ચલાવવા માટે ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત કરાઇ છે. આ નિયમ દ્વારા PGમાં રહેતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે અને અસુરક્ષિત સ્થિતિને ટાળી શકાય છે. તેમજ, હવે PG સંચાલકોને હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવવામાં આવતા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું ફરજિયાત છે, જેમાં ઓછામાં ઓછા 20 ટકા જગ્યાનું પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું પડશે, જેથી પાર્કિંગની સમસ્યાને ઘટાડવામાં મદદ મળશે.
તેઓ જો PG અથવા હોમસ્ટે તરીકે સેવા આપવાનું ઇચ્છે છે, તો ટુરીઝમ વિભાગ પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી ફરજિયાત રહેશે. PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે સંચાલકો પર લાગતા નિયમો અને કાયદાકીય જવાબદારીઓ સ્પષ્ટ થઈ જશે. નવા નિયમો લાગુ પડ્યા બાદ PG સંચાલકોને 30 દિવસની અંદર મહાનગરપાલિકા પાસે અરજી કરીને જરૂરી પરવાનગીઓ મેળવવી રહેશે.
AMC દ્વારા આ નીતિ હેઠળ GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન પણ કડકપણે ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ PG સંચાલકે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું, તો AMC તેના PGને સીલ કરી શકે છે અથવા બંધ કરાવી શકે છે. આ નવી નીતિ PG વ્યવસ્થામાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહેશીઓને લાંબા સમયથી તંગ કરતી સમસ્યાઓથી મુક્તિ અપાવશે. શહેરના અનેક રહેશીઓ માટે AMCનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે, કારણ કે તે PG વ્યવસ્થાના નિયમન અને સલામતી બંનેને મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel