અમદાવાદમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો કુખ્યાત આરોપી અઝહર અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાં કાર્યવાહી કરીને દોઢ વર્ષથી ફરાર રહેલા આ રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં આરોપી પાસેથી એક વાહન, રોકડ રકમ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે, જે તેની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે.
પોલીસ રેકોર્ડ મુજબ અઝહરનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડણી ઉઘરાવવી, હત્યાનો પ્રયાસ, મારામારી અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગુજસીટોકના કેસમાં તે વોન્ટેડ હતો અને લાંબા સમયથી પોલીસને ચકમો આપતો ફરતો હતો. અગાઉ અદાલતે તેને શરતી જામીન આપ્યા હતા, પરંતુ જામીન પર છૂટ્યા બાદ પણ તેણે ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી, જેના કારણે કોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક વિસ્તારોમાં અઝહર લોકો પર ધાક-ધમકી જમાવીને ખંડણી વસૂલતો હતો અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહેતો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસનું કહેવું છે કે તેની ધરપકડથી અનેક ગુનાઓના રહસ્યો ઉકેલાઈ શકે છે અને તેના સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં પણ મદદ મળશે. હાલ પોલીસે અઝહરને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેની ગુનાહિત નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel