અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલની ગોળી મારીને હત્યા કરી, ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. માત્ર બે મહિના પહેલા જ લગ્નબંધનમાં બંધાયેલા આ નવદંપતી વચ્ચે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે તેણે લોહિયાળ અંત લાવ્યો. ઘટનાની ગંભીરતા જોતા વસ્ત્રાપુર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે, જ્યારે સમગ્ર NRI ટાવર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ NRI ટાવરના ફ્લેટમાં રહેતા હતા. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે ધીમે ધીમે ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ. આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સવાળા હથિયારથી પત્ની પર ફાયરિંગ કર્યું, જેમાં રાજેશ્વરી ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડી હતી. પત્નીને લોહીલુહાણ હાલતમાં જોઈ ગભરાયેલા યશરાજે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, પરંતુ એમ્બ્યુલન્સના તબીબોએ તપાસ બાદ રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.
આશ્ચર્યજનક રીતે, 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને ઘરની બહાર નીકળ્યો તે જ સમયે યશરાજે પણ તે જ રિવોલ્વરથી પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પડોશીઓ અને સોસાયટીના રહેવાસીઓ કંઈ સમજી શકે તે પહેલા જ એક હસતું-રમતું ઘર શોકમાં ફેરવાઈ ગયું. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને સમગ્ર મામલે ગુનો નોંધીને દંપતી વચ્ચેના ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel