વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ થશે.સાથે જ મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે કોચરબ આશ્રમ સ્મારક પરિયોજના અંતર્ગત આશ્રમના 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પાસે સભા સ્થળે પહોંચ્યા, ત્યારે સભા સ્થળે બન્ને બાજુ ચરખા મુકાયા હતા. PM સભા સ્થળે આવ્યા ત્યારે બહેનો દ્વારા ચરખા પર કામગીરી કરીને સ્વાગત કરવામાં આવ્યુ. ખાદી કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોએ ચરખો કાત્યો હતો.
હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે.
આજના દિવસે જ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરુ થઇ હતી-PM મોદી
સાબરમતી આશ્રમમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વડાપ્રધાને 12 માર્ચની તારીખનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આજના દિવસે જ આ જ સાબરમતી આશ્રમથી દેશે આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કર્યો હતો. દાંડી યાત્રાએ આઝાદ ભારતની પૃષ્ઠ ભૂમિ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે.
આશ્રમ વિકસિત ભારતના સંકલ્પોનું તીર્થ બન્યુ-PM મોદી
વડાપ્રધાને સાબરમતી આશ્રમ વિશે વાત કરતા કહ્યુ કે, જે આશ્રમની દેશની આઝાદીમાં ખૂબ જ મોટી ભૂમિકા રહી છે, જેને દેખવા, જાણવા અને અનુભવવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તે સાબરમતી આશ્રમની માવજત તે તમામ ભારતીયની ફરજમાં આવે છે. સાબમતી આશ્રમના વિસ્તારમાં અહીં રહેતા પરિવાજનોની મુખ્ય ભૂમિકા હોવાનું પણ PM મોદીએ જણાવ્યુ. તેમના કારણે જ આશ્રમની 55 એકર જમીન પરત મળી હોવાનું વડાપ્રધાને જણાવ્યુ. આ કામમાં સકારાત્મક ભૂમિકા ભજવનારનો વડાપ્રધાને આભાર માન્યો.
બાપુના સ્વદેશીની ભાવના એ જ દેશના આત્મનિર્ભરની ભાવના-PM મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે ગાંધી બાપુનું વિઝન આજે પણ દેશના ઉજ્જવળ ભવિષ્યની દિશા બતાવે છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન દેખ્યુ હતુ. અત્યારે લોકલ ફોર વોકલની ચર્ચા કરવામાં આવે છે. આ મૂળ ગાંધી બાપુના સ્વદેશીની ભાવના જ છે. અત્યારે આત્મનિર્ભરની જે સંકલ્પના છે તે એ જ ભાવના છે.
PMએ કહ્યુ-ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું મારુ સ્વપ્ન છે
આપણી ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મહિલાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી માતાઓ છે. મને ખુશી છે કે આજે ગામોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી 1 કરોડથી વધુ બહેનો છે, જે લખપતિ દીદી બની ગઇ છે. મારુ સપનું ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું મારુ સ્વપ્ન છે.
પ્રોજેક્ટ અંતર્ગત શું રહેશે ?
આ પ્રોજેક્ટ અંતર્ગત જય જગત માસ્ટર પ્લાન, જૂનુ રસોડુ, સરદાર કુટિર, રંગ શાળા અને દસ ઓરડી, બાળ મંદિર, દેહલુ પૂની કેન્દ્ર, કુટુંબ નિવાસ અને 1થી 4, ઉદ્યોગ મંદિર, હૃદયકુંજ, ગાંધી સ્મારક સંગ્રહાલય, ઓરિએન્ટેશન સેન્ટર, વોટર હવેર્સ્ટિંગ તળાવ, વર્કશોપ એરિયા, એક્ઝિબિશન એરિયા, સોવેનિયર શોપ્સ, મેઇન એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ એરિયા, એક્ઝિબીશન એરિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સ્કોલર્સ રેસિડેન્સી બનાવવામાં આવશે.