હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની પકડ ઢીલી કરવા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ એક સંયુક્ત યોજના બનાવી છે. જાપાનને પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ તબક્કે અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને એટમિક સબમરીન આપવા નિર્ણય લીધો છે. જે દ્વારા તે ચીનની હરકતો ઉપર નજર રાખવા માગે છે. તેથી શી જિનપિંગનું ટેન્શન વધી જવાનું છે.
અમેરિકા- ઓસ્ટ્રેલિયા વચ્ચે જે કરારો થયા છે તેના પરિણામે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘેરા બનશે સાથે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના પ્રભાવ ઉપર પણ લગામ આવશે.
આ કરારો ઉપર બ્રિસ્બેનમાં બંને દેશોના સંરક્ષણ મંત્રીઓએ હસ્તાક્ષરો કર્યા હતા. તે પ્રમાણે અત્યારે પણ જેટલા અમેરિકી સૈનિકો છે તેમાં વધારો થશે. તે પ્રમાણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનાં એક નેવલ બેઝ ઉપર અમેરિકાની બનાવટની એટમિક સબમરીન રહેશે. તે ઉપરાંત ત્યાં એક એરબેઝ ઉપર પણ અમેરિકી સૈનિકો રહેશે. આ કરારો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ જાપાન સાથે પણ લશ્કરી કરારો કર્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ઉત્તરનાં શહેર પોર્ટ ડાર્વિનમાં પણ અમેરિકાના સૈનિકો રહેવાના છે. ત્યાં પણ તેની એટમિક સબમરીન અને નેવીનાં જહાજો તથા યુએસ એર ફોર્સના વિમાનો તૈનાત રાખવામાં આવશે. આથી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા તથા પાપુઆના ન્યૂગિનિ વચ્ચેના આરાફુરા-સી ઉપર પણ નજર રાખી શકાશે. અહીં અમેરિકાના શ્રેષ્ઠ કમાન્ડોઝ મરીન્સની કેટલીક ટુકડીઓ પહેલેથી જ હાજર છે તેની સંખ્યામાં પણ વધારો કરાશે. આ આરાફુરા શી ના પશ્ચિમ છેડાથી હિન્દ મહાસાગર શરૂ થાય છે. પૂર્વ છેડો પેસિફિક તરફ છે. આ રીતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળી ડ્રેગનના પંજામાંથી હિન્દ પ્રશાંત ક્ષેત્રને બચાવવા કટિબદ્ધ થયો છે. સહજ છે કે શી જિનપિંગનું તેથી ટેન્શન વધી રહે તેમ છે.