અમેરિકાના એચ-૧બી વિઝા માટેનું રજિસ્ટ્રેશન પૂરું થઈ જતાં ટૂંક સમયમાં લોટરી પ્રક્રિયા હાથ ધરાશે. અમેરિકન સરકાર આ વિઝા પ્રોગ્રામ હેઠળ વિદેશી આઈટી નિષ્ણાતોને ત્રણ વર્ષ માટે અમેરિકાના આઈટી સેક્ટરમાં કામ કરવાની પરવાનગી આપે છે. એ મર્યાદા વધીને ૬ વર્ષ થઈ શકે છે. ૮૫ હજારને ૨૦૨૫ના વર્ષ માટે વિઝા મળશે.
૨૦૨૫ના વર્ષના એચ-૧બી વિઝા માટે રજિસ્ટ્રેશન ગત ૨૫મી માર્ચે પૂરું થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં આ વિઝા માટે લોટરી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં અરજીઓ મળતી હોવાથી અમેરિકાના ઈમિગ્રેશન વિભાગ દ્વારા આ વિઝા લોટરી કરીને આપવામાં આવે છે. આઈટી સેક્ટરમાં આ સૌથી પોપ્યુલર કેટેગરીના વિઝા છે. અમેરિકાની ટોચની આઈટી કંપનીઓ આ વિઝા કેટેગરી હેઠળ વિદેશી આઈટી નિષ્ણાતોને નોકરી આપે છે. એમાં મોટી સંખ્યામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આઈટી નિષ્ણાતોમાં એચ-૧બી વિઝા ખૂબ જ પોપ્યુલર છે.
અમેરિકન સિટિઝનશિપ અને ઈમિગ્રેશન સર્વિસના કહેવા પ્રમાણે ૩૧મી માર્ચ સુધીમાં ઓનલાઈન જેમનું સિલેક્શન થયું છે તેમને જાણકારી આપી દેવામાં આવશે.
તે પછી વિઝાની આગળની પ્રક્રિયા હાથ ધરાશે. સંભવત: એપ્રિલની શરૂઆતથી જ કેપ પિટિશન શરૂ થશે અને ઓનલાઈન ફોર્મ ભરાશે. ૨૦૨૫થી આ વિઝા પ્રોગ્રામની ફી પણ વધારવામાં આવી છે. અત્યાર સુધી અમેરિકાના વિઝા માટે ૧૦ ડોલરની ફી હતી, જે હવે ૧૧૦ ડોલર કરાઈ છે.
એચ-૧બી વિઝા માટે પણ ૧૦ ડોલરની ફીમાંથી હવે ૨૧૫ ડોલરની ફી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જેટલા એચ-૧બી વિઝા મળે છે એમાંથી સરેરાશ ૭૦ ટકા તો ભારતીયો હોય છે. આ કેટેગરી હેઠળ ૮૫ હજાર વિઝા અપાય છે. તેમાંથી ૨૦ હજાર એવા આઈટી નિષ્ણાતોને મળે છે, જેમણે અમેરિકામાંથી ડિગ્રી મેળવી હોય. એમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હોય છે.