શક્તિશાળી દેશો વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાની બાજી ગોઠવી રહ્યા હોય ત્યારે જે સમય વીતે છે એને દુનિયા વિશ્વશાંતિ ગણે છે. આવા સમયને બાદ કરતાં વિશ્વશાંતિ જેવું કશું હોતું નથી. લાંબો લોહિયાળ માનવ ઈતિહાસ એની સાબિતી આપે છે. સદીઓથી તાકતવાર રાજાઓ અને વિશાળ રાષ્ટ્રો વધુને વધુ શક્તિશાળી બનવા ધમપછાડા કરે છે અને એ ધમપછાડામાં શાંતિ ચીમળાઈ જાય છે.
સદીઓથી મોટાં રાષ્ટ્રો વચ્ચે શાંતિકરારો થાય છે, અત્યારેય થાય છે અને ભવિષ્યમાં પણ થતાં રહેશે. એ કરારો થાય છે જ એટલા માટે કે તેને તોડી શકાય! વિશ્વયુદ્ધ પછી દુનિયામાં શાંતિ-સલામતી માટે અગાઉ ક્યારેય ન હતા એવા નિયમો બન્યા. અગાઉ ક્યારેય ન હતી એવી વૈશ્વિક સંસ્થાઓ બની. અગાઉ ક્યારેય થયા ન હતા એવાં કરારો થયા. અગાઉ ક્યારેય ન હતા એવા માપદંડો બન્યા. અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું એટલું શાણપણ દેખાડાયું.
ને તે છતાં ૭૫-૮૦ વર્ષમાં કેટલાય યુદ્ધો થયા. કરોડો લોકોએ જીવ ખોયો. લોહીની નદીઓ વહી અને સૂકાઈ ગઈ, પરંતુ મહાસત્તાઓની શક્તિશાળી બનવાની મહત્ત્વાકાંક્ષામાં ઓટ ન આવી. મિત્રદેશોની સલામતીના રૂપકડાં બહાના હેઠળ શક્તિશાળી દેશો જગતના ખૂણે ખૂણે અને મહાસાગરોની વચ્ચે આવેલા ટાપુઓમાં લશ્કરી મથકો બનાવ્યા કરે છે. બધે પહોંચ હોય તો કોઈ ઊંચી આંખ ન કરી શકે એવી ગણતરી માંડીને અલગ અલગ નામથી ઠેક-ઠેકાણે સૈન્ય તૈનાતી થાય છે ને તેનાથી વિશ્વશાંતિ ખંડિત થતી રહે છે.
અમેરિકા, રશિયા અને ચીન આ પ્રકારની લશ્કરી તૈનાતીમાં સૌથી આગળ છે. એમાંય જ્યારથી અમેરિકા-ચીન વચ્ચે જગતની બાદશાહત માટે સીધો જંગ જામ્યો છે ત્યારથી લશ્કરી મથકોના નામે પ્રાદેશિક અશાંતિ સર્જવાનું કારસ્તાન વધતું જાય છે. એવા જ એક કારસ્તાનનો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ તાજેતરમાં ઘટસ્ફોટ કર્યો.
ચૂંટણી પછી શેખ હસીનાએ પહેલી વખત સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. એમાં તેમણે જે દાવો કર્યો એ તરફ દુનિયાભરનું ધ્યાન ખેંચાયું. તેમણે અમેરિકા તરફ ઈશારો કરતાં કહ્યુંઃ ‘બાંગ્લાદેશમાં ચૂંટણી થઈ તે પહેલાં એક વ્હાઈટમેને મારી સામે બાંગ્લાદેશમાં લશ્કરી મથક સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાંગ્લાદેશના લાંબાંગાળાના હિતો માટે એ પ્રસ્તાવ જોખમી હોવાથી મેં ફગાવી દીધો. તેનાથી બાંગ્લાદેશના પાડોશી દેશો પર તો ખતરો હતો જ, પરંતુ બાંગ્લાદેશના લોકો પર પણ ખતરો હતો.’
શેખ હસીનાનો આ દાવો ચચાસ્પદ હતો, પણ સનસનીખેજ દાવો એ પછી થયો. તેમના કહેવા પ્રમાણે બાંગ્લાદેશે લશ્કરી મથક સ્થાપવાનો ઈનકાર કરી દીધો એટલે મોટું જોખમ આવી પડયું. એ દેશે બાંગ્લાદેશના ભાગલા પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વના ભાગને મ્યાંમારના પશ્વિમ હિસ્સા સાથે જોડીને પૂર્વ તિમોર જેવો એક નાનકડો દેશ બનાવવાની તજવીજ ચાલતી હતી. એ ખ્રિસ્તી દેશમાં લશ્કર તૈનાત કરીને કેટલાય દેશો પર દબાણ વધારવાનું ષડયંત્ર ઘડાયું હતું.
શેખ હસીનાએ જે પૂર્વ તિમોર દેશનો ઉલ્લેખ કર્યો એનો રેફરન્સ પણ સમજવા જેવો છે. તિમોર સાગરમાં એ જ નામનો એક ટાપુ છે. આ તિમોર ટાપુ ૧૯૭૫ સુધી ઈન્ડોનેશિયામાં હતો. ઈન્ડોનેશિયાનો આ હિસ્સો એક સમયે પોર્ટુગલના તાબામાં હતો. ટાપુના પૂર્વ તરફના હિસ્સામાં કાયમ જુદા રાષ્ટ્રની માગણી થતી રહેતી હતી. આખરે ૧૯૭૫માં ઈન્ડોનેશિયાથી અલગ કરીને ટાપુના પૂર્વ હિસ્સાને પૂર્વ તિમોર નામનો જુદો દેશ બનાવાયો. આજેય ૧૨ હજાર સ્કવેર મીટરનો આ ટાપુ બે દેશો વચ્ચે વહેંચાયેલો છે. પૂર્વ તરફનો હિસ્સો યુએનની માન્યતા સાથે અલગ દેશ છે. પશ્વિમનો ટાપુ ઈન્ડોનેશિયાના તાબામાં આવે છે. વિસ્તારની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાથી થોડા મોટા આ દેશમાં ખ્રિસ્તી ધર્મના લોકો બહુમતીમાં છે. ઈન્ડોનેશિયામાં મુસ્લિમ બહુમતી છે. શેખ હસીનાએ એ રેફરન્સમાં ખ્રિસ્તી ધર્મની બહુમતી હોય એવો દેશ બનાવવાના સંદર્ભમાં પૂર્વ તિમોરનો ઉલ્લેખ કર્યો હતો.
શેખ હસીનાના આ નિવેદન પછી તો ચીનની પણ પ્રતિક્રિયા આવી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નીંગે કહ્યું હતુંઃ ‘ઘણાં દેશો દુનિયાભરમાં દખલગીરી કરે છે. સુરક્ષાથી લઈને ચૂંટણી સહિતના આંતરિક મામલામાં દખલ કરે છે. શેખ હસીનાએ એવા દેશને લશ્કરી મથક બનાવવા ન દીધું એ ઉમદા કામ કર્યું. તેનાથી બાંગ્લાદેશના સાર્વભૌમત્વ પર જે ખતરો સર્જાવાનો હતો તે ટાળી શકાયો છે.’ ભલે ચીન આવી ડાહી ડાહી વાતો કરે, પણ દુનિયાભરમાં ચીન આવું જ કરે છે. કેટલાય દેશોમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે પગપેસારો કરે છે. લશ્કરી મથકો બનાવવા માટે મહાસાગરોની મધ્યમાં ટાપુઓ લીઝ પર મેળવે છે.
વેલ, બાંગ્લાદેશ અને મ્યાંમારમાંથી હિસ્સો અલગ કરીને એક નાનકડો દેશ જો ત્યાં બની જાય તો એનાથી અમેરિકા એક સાથે કેટલાય નિશાન સાધી શકે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભૌગોલિક રીતે મહત્ત્વનું છે. બાંગ્લાદેશ મ્યાંમારની સરહદે નાનકડો દેશ બનાવીને અમેરિકા કોઈ રીતે એમાં લશ્કરની તૈનાતી રાખે તેનાથી સૌથી પહેલી અસર ચીનને થાય. એ સ્થળેથી અમેરિકાની રેન્જમાં આખું ચીન આવી જાય. એ સ્થળેથી એક તરફ ભૂતાન છે, પણ એમાં ચીનનો પગપેસારો છે. બાંગ્લાદેશ, મ્યાંમારની સરહદે જ ભારતના ઘણાં રાજ્યો છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ મ્યાંમારની સીમા પાસે છે, તો અરૂણાચલ પ્રદેશ ચીનની સરહદ પાસે છે. મેઘાલય, ત્રિપુરા સાથે બાંગ્લાદેશની સરહદ ટચ થાય છે.
અત્યારે અમેરિકાનું લશ્કર દક્ષિણ કોરિયામાં તૈનાત છે. તાઈવાન નજીકના દરિયામાં ફ્રી નેવિગેશનના નામે અમેરિકા યુદ્ધજહાજથી પેટ્રોલિંગ કરે છે, પણ ત્યાં ચીનનો સીધો પડકાર રહે છે. ચીન અને કોરિયન ઉપખંડ વચ્ચે પીળો સમુદ્ર છે. એ રીતે ચીનનો પૂર્વ તરફનો હિસ્સો આજની તારીખે અમેરિકાની રેન્જમાં આવે છે, પરંતુ જે કામ બાંગ્લાદેશ-મ્યાંમારની સરહદેથી થાય એ દક્ષિણ કોરિયાથી શક્ય નથી. એમાં વળી, અમેરિકાની રેન્જમાં ભારત પણ આવી જાય. અત્યારે અમેરિકા-ભારતના સંબંધો ખૂબ જ સારા છે. બંને પક્ષે અભૂતપૂર્વ દ્વિપક્ષીય સંબંધોની દુહાઈઓ આપવામાં આવી રહી છે, પણ અમેરિકાનો કોઈ ભરોસો નહીં. કોઈ વાતે વાંધો પડે તો ભારત માટેય એ લશ્કરી મથક ચિંતાનો વિષય બની જાય. નવો દેશ અસ્તિત્વમાં આવે તો એની સરહદ પણ ભારતને લાગુ પડે.
બાંગ્લાદેશમાં લશ્કરી મથક સ્થાપવાની અમેરિકાની પેરવી જૂની છે, પરંતુ શેખ હસીના માનતાં નથી એટલે વારંવાર વાટાઘાટો પડી ભાંગે છે. કદાચ એટલે જ અમેરિકા હવે બાંગ્લાદેશમાં માનવાધિકારના ભંગના અહેવાલો આપીને પીએમને ઘેરે છે. જો ખરેખર શેખ હસીનાના દાવામાં તથ્ય હોય ને અમેરિકા નાનકડો દેશ સર્જવાની ફિરાકમાં હોય તો ભારતે સાવધાન થવા જેવું ખરું. આજે નહીં તો કાલે અમેરિકા ફરીથી આ ષડયંત્રને હાથમાં લેશે. ચેતતો દેશ સદા સુખી!