બોર્ડના અંતર્ગ વર્તુળમાં એવી વાત ચાલે છે કે બીસીસીઆઈએ જેઓને ગોલ્ડ ટીકીટ આપી છે તેવા અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત ખાસ આ મેચ જોવા ઉપસ્થિત રહેશે.
હોટલના રૂમનો પ્રશ્ન
હવે 60 પત્રકારોને વિઝા તો મળ્યા છે પણ છેલ્લી ઘડીએ તેઓને હોટલની રૂમ મળે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કેમ કે અમદાવાદની મોટા ભાગની હોટલો બે મહિના અગાઉથી દેશ -વિદેશથી મેચ જોવા આવનાર ચાહકોએ બુક કરી દીધી છે. 60 પત્રકારોમાંથી કેટલાક અમદાવાદ મેચ કવર કરવા નસીબદાર નીવડે છે તે હવે ખબર પડશે. ઘણા પાકિસ્તાની પત્રકારોએ આ રીતે આખરી ઘડીએ વીઝા મળ્યા હોઈ તેમજ હોટલની વ્યવસ્થા ન થઈ હોઈ ભારત આવવાનું ટાળ્યું છે. જો કે પાકિસ્તાનના પ્રેક્ષકોએ મોટી સંખ્યામાં વિઝા માટે અરજી કરી હતી તેમાંથી કોઈને વિઝા મળ્યા તે જાણવા નથી મળ્યું.
મેચ પહેલા યોજાશે રંગારંગ સંગીત કાર્યક્રમ
નવાઈની વાત એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ અગાઉ રંગારંગ સંગીત કાર્યક્રમ યોજાવાનો છે પણ કયા કલાકારો હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.ભારતના જુદા જુદા ક્ષેત્રોની જાણીતી હસ્તી મેચ જોવા આવવાની છે. ફિલ્મ સ્ટાર વરૂણ ધવન આવશે તેમ પણ મનાય છે.
સુખવિન્દર અને શંકર મહાદેવન
ગાયક કલાકાર સુખવિન્દર અને શંકર મહાદેવન ટોસ અગાઉ 12:30 વાગે પર્ફોમ કરશે. જો કે મેચ અગાઉ આવો કાર્યક્રમ ભર બપોરે ગરમીમાં હોઈ મોડી સાંજ કે રાત્રિ જેવી જમાવટ ન કરી શકે. પ્રેક્ષકો પણ સ્ટેડિયમમાં કેટલા વાગે પ્રવેશ મેળવી શકે છે તે જોવાનું રહેશે. કેમ કે એક એક પ્રેક્ષકના વાહનને અને તે પછી તેની ટીકીટને અને તેને પોતાનો સુરક્ષા કવચ અને સ્કેનિંગમાંથી પસાર થવાનું હોઈ પ્રેક્ષકો ગરમીમાં તપતા બપોરે બે સુધી તો માંડ તેનું સ્થાન ગ્રહણ કરી શકશે. આમાં અરિજિત સિંઘના ગીતો શ્રોતાને આકર્ષી ન શકે. આઇપીએલની જેમ ઇનિંગ બ્રેકમાં હજુ પણ આવો કાર્યક્રમ રાખી શકાયો હોત.
પ્રેક્ષકોની અગ્નિ પરીક્ષા
પ્રેક્ષકો માટે સ્ટેડિયમ સવારે 10:00 વાગેથી ખુલી જશે. કઈ હદનો ધસારો હશે તે કલ્પના કરો. 10 વાગે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનાર પ્રેક્ષકોને મેચ રાત્રે 10:30 ની આસપાસ પુરી થશે ત્યાં સુધી સ્ટેડિમમાં તેની જગા પર 13 કલાક બેસવાનું રહેશે તે ઘેરથી તો પાણીની બોટલ કે નાસ્તાનો ડબ્બો પણ લઇ જઇ ન શકે તેથી સ્ટેડિયમમાં જ પાણી અને ફાસ્ટ ફૂડ ખુબ જ ઉંચા ભાવે આરોગવાનું રહેશે. મફત પાણીની વ્યવસ્થા હોવા છતાં પુષ્કળ ધસારો થતો હોઈ પ્રેક્ષકોને પાણી પણ ખૂબ ઊંચા ભાવે ખરીદવું પડશે. ૧૦ વાગે તો સ્ટેડિયમમાં પ્રવેશસે પણ તે અગાઉ ટ્રાફિક અને સીક્યોરીટીના કોઠા વીંધવાના હોઈ પ્રેક્ષકો ઘેરથી સવારે આઠ વાગે નીકળશે અને રાત્રે મેચ જોઈ ઘેર પહોંચતા મધરાત વીતી ગઈ હશે.
વર્લ્ડ કપની ‘ધ મેચ’
ભારત અને પાકિસ્તાનની મેચ આ વર્લ્ડ કપનું એક માત્ર આકર્ષણ છે એક વખત આ મેચ પુરી થશે તે પછી ફાઇનલમાં પ્રવેશશે તો ફરી ક્રિકેટ ચાહકો રોમાંચ અનુભવશે. કેટલાક ચાહકો એવી પણ પ્રતિક્રિયા આપતા હોય છે કે વર્લ્ડ કપ ભલે ન જીતીએ પણ પાકિસ્તાનની સામે જીતીએ તે ગૌરવ અમારા માટે પુરતો છે.