નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો.
કૃષિ મેળા અંતર્ગત દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં ખેતી ક્ષેત્રે આવેલા પરિવર્તનની વાત કરી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલે સહકારથી સમૃદ્ધિ માટેના સરકારના પ્રયાસમાં સૌને સહભાગી બની પ્રાકૃતિક કૃષિ તરફ વળવા વિનંતી કરી હતી.
નાયબ ખેતી નિયામક આર.ડી. પટેલ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી ખેતીમાં આધુનિકરણ, ટકાઉ ખેતી અને પ્રાકૃતિક ખેતી મોડલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના મહારાજ શ્રી કોઠારી સ્વામી દ્વારા સૌને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં.
આ કૃષિ મેળામાં સ્ટોલ પ્રદર્શન, પારંપરિક માધ્યમો અને મહાનુભાવોના સંવાદથી કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને કૃષિ લક્ષી યોજનાકીય બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતાં નરસંડાના ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીનું રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા પંપસેડ, સ્માર્ટફોન અને સ્વરોજગારલક્ષી સહાય યોજનાઓના લાભ માટે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.
કૃષિ મેળા અંતર્ગત ખેતીવાડી શાખા, બાગાયત શાખા, આત્મા પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, ઇફ્કો, બીજ નિગમ, જીજીઆરસી, જીએસએફસી/નવભારત સીડ્સ, રાજકોટ સેલ્સ એજન્સી શ્રીજી એગ્રો ઇક્વિપમેન્ટ એડવાન્ટ સીડ્સ, વામન ખેડા એફપીઓ, કાવેરી સીડ્સ, સોનાલીકા ટ્રેક્ટર, મી ટુ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કુલ ૨૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં ખેડૂતોને ખેતી વિષયક વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હતી. તથા પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલ વિવિધ ખેત પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, મહારાજ શ્રી કોઠારી સ્વામી, નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, નાયબ ખેતી નિયામક આર.ડી.પટેલ, મદદનીશ ખેતી અધિકારી પંકજભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી નરેશભાઈ દેસાઈ, નડિયાદ તાલુકા વિકાસ અધિકારી, સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.