બોટાદ શહેરની મધ્યમાં મધુ અને ઉતાવળી નદીના કાંઠે સ્વતંત્રતા સાથે જોડાયેલું નવહથ્થા હનુમાનજીનુ પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કોઈપણ દુખીયારો આસ્થાથી દાદાને માથું નમાવે અને દાદા તેના તમામ સંકટ દૂર કરે છે. બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં ઉતાવળી, મધુ નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે પૌરાણિક નવ હથ્થા હનુમાનજીનુ મંદિર આવેલું છે. મંદિરમાં હજારો વર્ષ પહેલાની હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા આવેલી છે. હનુમાનજીની પ્રતિમાને એક બાજુથી ગણત્રી કરો તો આઠ હાથ લાંબી અને બીજી બાજુથી ગણત્રી કરો તો નવ હાથ લાંબી થાય છે એટલે મંદિર નવ હથ્થા હનુમાન તરીકે પ્રચલિત છે. હાલ જ્યાં હનુમાનજીનુ મંદિર છે ત્યાં સાડાસાતી નિમિતે હનુમાનજી અને શનિદેવનુ યુદ્ધ થયુ હતુ… નવગ્રહો, ભોળાનાથ અને રામચંદ્ર ભગવાને યુદ્ધમાં દરમ્યાનગીરી કરતા હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હતા.
બોટાદમાં નદીઓના સંગમ પાસે બિરાજમાન દાદા
ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી હનુમાન મંદિર
કાનપુર સ્ટેટના મહારાજા નાના સાહેબ પેશવા 1857માં અંગ્રેજો સામે લડાઈમાં હારીને ૧૮૫૮ મા તેમના મંત્રીઓ સાથે નવહથ્થા હનુમાનજી મંદિર છે તે સ્થળે શરણ લીધી હતી અને સન્યાસ ધારણ કર્યો હતો. અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહી ચુકેલા નવહથ્થા હનુમાનજીના પૌરાણિક મંદિરનો હાલ વિકાસ કરી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિરે સવાર સાંજ શહેરીજનો દાદાને માથું નમાવવા આવે છે. જીવનની સંધ્યા આથમી રહી હોય ત્યારે વૃદ્ધો આરામ સાથે ભગવાનનુ નામ ભજે છે ત્યારે એવા પણ હનુમાનજીના ભક્ત છે જે શારિરીક વૃદ્ધ હોવા છતાં પણ દર શનિવારે આઠ કિલોમીટર ઘરેથી પગપાળા દાદાના શરણે આવે છે. અને પોતાના સુખી જીવનનો આધાર ફક્તને ફક્ત દાદા ને ગણાવે છે. કુદરતી વાતાવરણમા આવેલા નવહથ્થા હનુમાનજી મંદિરે શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો આકડાની માળા અને તેલ ચડાવે છે કોઈપણ દુખ હોય તે દાદા પાસે માથું નમાવો એટલે તમામ સંકટ દાદા દુર કરે છે. મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે. સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો તે અવશ્ય પૂર્ણ થવાનો ભક્તોને દ્રઢ વિશ્વાસ છે. નવહથ્થા હનુમાનજીની જેવી પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ નથી અને દાદાની પ્રતિમા સ્વયંભૂ છે ત્યારે દાદાએ કેટલાય લોકોના દુખ દુર કર્યાના પુરાવા પણ છે. મંદિરે ઉજવાતા ધાર્મિક તહેવારો અને લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં મંદિરે આવી દાદાના દર્શન કરી મેળાનો આનંદ માણે છે.