જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. સવારે 5.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઉંડાઈએ હતું. આની થોડીવાર બાદ 5:43 વાગ્યે ચિનાબ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સવારે બે વાર ધરતી ધ્રૂજી. પરંતુ હજુ સુધી બંને જગ્યાએ કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાનના સમાચાર નથી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મોડી રાત્રે ધરતી ધ્રૂજી ઉઠી હતી. અહીં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર 180 કિમીની ઊંડાઈ પર હતું.
આંદામાન અને નિકોબારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ
આંદામાન અને નિકોબારમાં પણ ગઈકાલ રવિવારે રાત્રે લગભગ 8 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 70 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપ આવે તો શું કરવું?
સૌ પ્રથમ, ભૂકંપની સ્થિતિમાં, ગભરાશો નહીં.
તમારી નજીકમાં રહેલા મજબૂત ટેબલની નીચે ઝડપથી જાઓ અને તમારું માથું ઢાંકો.
ભૂકંપના આંચકાને કારણે આવી રહેલી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી, ટેબલની નીચે રહો.
ભૂકંપના આંચકા બંધ થતાં જ ઘર, ઓફિસ કે રૂમની બહાર નીકળી જાવ.
જો તમે ભૂકંપ દરમિયાન વાહનની અંદર હોવ, તો તરત જ વાહનને રોકો અને જ્યાં સુધી આંચકા બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો.
બહાર નીકળતી વખતે લિફ્ટનો ઉપયોગ ના કરો અને બહાર આવ્યા પછી ઝાડ, દિવાલો અને થાંભલાઓથી દૂર રહો.
ભૂકંપ કેમ અને કેવી રીતે આવે છે ?
ધરતીની અંદર હાજર પ્લેટોના એકબીજા સાથે અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો એક બીજા સાથે અથડાય છે ત્યારે તેના કારણે જે ઊર્જા બહાર નીકળે છે તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ હરતી ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ તેના સ્થાનેથી ખસી જાય છે તો કોઈ નીચેથી સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના એકબીજા સાથે અથડામણને કારણે ભૂકંપ આવે છે.