ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધારવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી નવી અને વિશિષ્ટ યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન માટે ઇચ્છુક ભક્તો માટે હવે વિશેષ વોલ્વો બસ પેકેજ ટૂર્સ શરૂ કરાશે, જેમાં શૃદ્ધાળુઓને સરળતા, આરામદાયક મુસાફરી અને આધ્યાત્મિક અનુભૂતિનું સંપૂર્ણ સંયોજન મળશે.
આ યોજનાનું મુખ્ય આકર્ષણ એ છે કે શ્રાવણ મહિનાના દરેક દિવસે અમદાવાદના રાણીપ બસ ડિપોથી સવારે 6:00 વાગ્યે એક વોલ્વો બસ સોમનાથ તરફ ઉપડશે, અને ત્યાં સાંજે 4:00 વાગ્યે પહોંચશે. યાત્રા પછી રાત્રિ રોકાણ અને દર્શન બાદ બીજા દિવસે સવારે 9:30 વાગ્યે સોમનાથથી પાછી અમદાવાદ તરફ રવાના થશે અને રાત્રે 10:30 વાગ્યે રાણીપ પરત આવશે.
પેકેજ વિગતો:
- પેકેજ અવધિ: 2 દિવસ – 1 રાત્રિ
- પ્રતિ યાત્રિક ભાડું: ₹4,000
- બે યાત્રિક માટે ખાસ દર: ₹7,050
- સુવિધાઓમાં સામેલ છે:
- એસી વોલ્વો બસ દ્વારા જવા અને આવવાની વ્યવસ્થા
- નાસ્તો અને બે વખતનું ભોજન
- હોટેલમાં એક રાત્રિ રોકાણ
- તાલીમપ્રાપ્ત ગાઇડ
- સોમનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શો,
- ત્રિવેણી સંગમ ખાતે આરતી,
- ભાલકા તીર્થ,
- રામ મંદિર,
- ગીતા મંદિરના દર્શન
આ યાત્રા પેકેજ માત્ર ભક્તિ યાત્રા નથી, પણ પ્રવાસી ભક્તોને આધ્યાત્મિકતા સાથે ભવ્ય ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું અનુભવન પણ કરાવશે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી ધાર્મિક પ્રવાસનને ખાસ કરીને શ્રાવણ માસમાં મજબૂત પ્રોત્સાહન મળશે અને રાજ્યના પ્રવાસી વિકાસમાં પણ ઇજાફો થવાની સંભાવના છે.