હિંદુ સંગઠનો અને અન્ય અગ્રણી સામાજિક આગેવાનોએ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના કાન આમળ્યા. આણંદના શાંતિપૂર્ણ માહોલને ડહોળવા અશાંતિના દૂતો સક્રિય થયા છે. શહેરમાં બકરીદ ઉપર વ્યાપક પ્રમાણમાં પશુ કતલ થઈ છે.શહેરના વિવિધ હિન્દુ વિસ્તારોને ટાર્ગેટ કરી પશુ કતલ પછી વધેલ માંસ અને હાડકાનો કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવતા નગરમાં કોમી એખલાસ ખોરવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. શહેરના શાંતિ પૂર્ણ માહોલને વિકૃત અટકચાળા કરી અશાંતિ ઉભી કરવાની આયોજનબદ્ધ કોશિશ થઈ રહી છે.જીલ્લા પોલીસ દ્વારા પણ આ ઉપરાછાપરી બનતી ઘટનાઓને ગંભીરતાથી લઈ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન થયા છે.જોકે હજી કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.
આણંદમાં ગઈકાલે ગ્રીડ પાસે કૃષ્ણકુંજ સોસાયટીમાં તેમજ આજે પાયોનીયર હાઇસ્કુલ પાછળની મિસ્ત્રી સોસાયટી તેમજ નાની ખોડિયાર રોડ જેવા હિન્દુ વિસ્તારોમાં કતલ કરાયેલ પશુ નું મસ્તક, હાડકા અને અન્ય માંસ નો કચરો છુટ્ટો ફેંકી કેટલાક અશાંતિના દૂતો દ્વારા વિકૃત અટકચાળો કરવામાં આવતા હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.વિપક્ષમાં રહેતા સમયે આવી ઘટના ઘટતા ધાર્મિક અત્યાચારનો મુદ્દો બનાવી ઝંડા લઈ રોડ ઉપર આંદોલનો અને વિરોધ પ્રદર્શનો કરતા ભાજપના આગેવાનો હાલ જાહેરમાં ન ડોકાતા હિંદુ પ્રજાજનોમાં પણ એક પ્રકારે અણગમો પ્રસર્યો છે. આ અંગે હિંદુ સંગઠનો અને અન્ય અગ્રણી સામાજિક આગેવાનોએ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના કાન આમળ્યા હોવાના સમાચાર પણ મળ્યા બાદ કેટલાક આગેવાનો સક્રિય થયા અને પોલીસ ઉપર યેનકેન પ્રકારે આ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ડામવા દબાણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આણંદમાં બકરીદ બાદ બનેલ ઉપરાછાપરી ત્રણ ઘટનાઓએ પોલીસની ઢીલી કામગીરીની પણ પોલ ખોલી દીધી છે.વિકૃત માનસિકતા ધરાવતા ઈસમો કાયદાનો અને પોલીસનો ડર રાખ્યા વિના પશુ હિંસા કરી જાહેરમાં બેખૌફ રીતે માંસ,મસ્તક અને હાડકાનો કચરો ખુલ્લામાં હિંદુ રહેણાક વિસ્તારમાં ફેંકવાની હિંમત કરી શકે છે.પોલીસ હજુ પણ આ અટકચાળા કરતા અશાંતિના દુતો ને ઝડપી શકી નથી.જોકે હિન્દુ સામાજિક આગેવાનો અને સંગઠનોનો રોષ હાલ સાતમા આસમાને ચઢ્યો છે.આગામી સમયમાં મોટા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.