આપણા દેશમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અહીં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે 4 વર્ષનો બાળક બર્ડ ફ્લૂનો શિકાર બન્યો હતો. જો કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બર્ડ ફ્લૂનો આ બીજો કેસ છે. અગાઉ 2019માં ભારતમાં પહેલો કેસ નોંધાયો હતો.
પક્ષીઓ માટે જાનલેવા બર્ડ ફ્લૂ હવે માનવીઓ માટે પણ ખતરનાક બની રહ્યો છે અને તેને ભારતમાં પણ ખતરાની ઘંટડી વગાડી છે. દેશમાં બર્ડ ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યો છે અને આ વખતે 4 વર્ષના બાળકને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાતની પુષ્ટિ કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતના પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસથી થતા બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણનો કેસ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલ્ટ્રીના સંપર્કમાં આવવાથી બાળકને ચેપ લાગ્યો હતો. ડબ્લ્યુએચઓ અનુસાર એ બાળકને શ્વસન સંબંધી સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણ થતું હતું અને સ્થાનિક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ભારતમાં આજ સુધી બર્ડ ફ્લૂનો આ બીજો કેસ છે. અગાઉ 2019માં આ વાયરસ એક બાળકમાં જોવા મળ્યો હતો. જોકે, સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ ગઈ હતી. આ વખતે પણ બાળકમાં જ આ વાયરસ જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, આરોગ્ય અધિકારીઓ આ બાળકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે.
તાજેતરમાં અમેરિકામાં પણ બર્ડ ફ્લૂના કારણે માનવ સંક્રમણનો બીજો કેસ જોવા મળ્યો હતો. તાજેતરમાં મેક્સિકોમાં બર્ડ ફ્લૂથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે દુનિયામાં આ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે.