પાકિસ્તાનમાં બેસીને ભારતવિરોધી કાવતરાં કરતા આતંકવાદીઓની માઠી દશા બેઠી છે. છેલ્લા ઘણા સમયથી ‘અજાણ્યા હુમલાખોરો’ આવા વૉન્ટેડ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. હવે વધુ એક આતંકી આવા બંદૂકધારીઓના હાથે ચડી ગયો છે. અહેવાલોનું માનીએ તો જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરના સાથી આતંકવાદી દાઉદ મલિકની પાકિસ્તાનમાં હત્યા કરી નાખવામાં આવી છે.
દાઉદને પણ અજાણ્યા હુમલાખોરોએ જ નિશાન બનાવ્યો. તેની હત્યા પાકિસ્તાનના વઝિરિસ્તાનમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સમાં તેની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દાઉદ મલિક મસૂદ અઝહરનો સાથીદાર હતો. મસૂદ અઝહર એ જ ઇસ્લામી આતંકવાદી છે જેણે ભારતમાં પુલવામા હુમલો કરાવ્યો હતો, જેમાં 40 જવાનો વીરગતિ પામ્યા હતા.
#BREAKING– JeM chief Masood Azher's close aide Mailk Daud shot dead by unknown assailants in Waziristan, Pakistan this morning at a private clinic.
This is 17th trrst neutralised in last 19 months. pic.twitter.com/XgnbVMxNfa
— The Hawk Eye (@thehawkeyex) October 21, 2023
મલિકની હત્યા ઉત્તર વઝિરિસ્તાનમાં થઈ. ધોળા દહાડે અજાણ્યા બંદૂકધારીઓએ આવીને તેની ઉપર ગોળીબાર કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. વિગતો અનુસાર, ઘટના સમયે દાઉદ એક ક્લિનીકની બહાર બેઠો હતો. હુમલો કરનારાઓ આવ્યા, ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા હતા. તેઓ કોણ હતા એ જાણવા મળ્યું નથી.
ગોળીઓ વાગ્યા બાદ દાઉદ સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને ત્યારબાદ દમ તોડી દીધો અને હોસ્પિટલ જવા પણ પામ્યો ન હતો. ત્યારબાદ તેનો મૃતદેહ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો અને પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના રિપોર્ટમાં પણ આ ઘટનાની પુષ્ટિ થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું કે ઘટના શુક્રવારે સવારે બની હતી. દેખીતી રીતે પાકિસ્તાની મીડિયા ચેનલોએ તેના આતંકવાદી કનેક્શન વિશે કોઇ ફોડ પાડ્યો નથી. જે તેઓ સામાન્ય રીતે દરેક આતંકવાદીઓના કિસ્સામાં કરતા આવ્યા છે.
ઓક્ટોબરમાં ત્રીજો આતંકવાદી ઠાર, તમામને ‘અજાણ્યા બંદૂકધારીઓ’એ ઠાર કર્યા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવો ત્રીજો કિસ્સો છે, જેમાં ભારતવિરોધી આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા થઈ હોય. આ પહેલાં ગત 11 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરી નાખવામાં આવી હતી. તે ભારતના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તે પહેલાં 1 ઓક્ટોબરે કરાંચીમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અને હાફીઝ સઈદના સાથી મુફ્તી કૈસર ફારૂકને અજાણ્યા હુમલાખોરોએ ગોળીએ દીધો હતો. તે સિવાય પણ છેલ્લા 6 મહિનામાં અનેક આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા છે.