કોલકાતામાં સ્થિત પ્રખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કલકત્તાના કેમ્પસમાંથી એક આંચકાજનક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે, જેને લઈ શૈક્ષણિક પરિસરમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના શુક્રવારની રાત્રે બની હતી, જ્યાં સંસ્થાના બોયઝ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીના સાથે તેના સહાધ્યાયીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. પીડિતાએ આ અંગે મોડી સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસ દ્વારા તરત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પરમાનંદ ટોપ્પનવર, જે બેંગલુરુનો રહેવાસી અને IIM કોલકાત્તાનો બીજા વર્ષનો વિદ્યાર્થી છે, પીડિતાને પહેલેથી ઓળખતો હતો. બંને વચ્ચે શરુઆતમાં ઓનલાઈન મિડીયમથી પરિચય થયો હતો અને પછી અભ્યાસના કારણે વાતચીત વધતી ગઈ. શુક્રવારે આરોપીએ પીડિતાને કેમ્પસમાં બોલાવી અને કાઉન્સલિંગ સેશન માટે મદદની વાત કરી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે આરોપીએ વિઝિટર રજિસ્ટરમાં નામ લખવાની ના પાડી હતી છતાં તેણે વિશ્વાસ પર કેમ્પસમાં પ્રવેશ કર્યો.
પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપીએ તેને એક બહાને બોયઝ હોસ્ટેલના રૂમમાં લઈ જઈને પીઝા અને કોલ્ડ્રીંક આપી હતી. કોલ્ડ્રીંક પીધા બાદ પીડિતાને ચક્કર આવવા લાગ્યા અને અસ્થિરતા અનુભવાતા તેણે વોશરૂમમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. એ સમયે આરોપીએ તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો અને થપ્પડ મર્યો, ત્યારે આરોપી હિંસક બની ગયો અને તેણીને શારીરિક રીતે ઈજા પહોંચાડીને દુષ્કર્મ આચર્યું. પીડિતાના જણાવ્યા મુજબ તે બાદમાં અર્ધબેભાન થઈ ગઈ અને વધુમાં સંપૂર્ણ રીતે બેભાન બની ગઈ.
જ્યારે પીડિતાને ભાન આવ્યું ત્યારે તે હોસ્ટેલ રૂમમાં એકલી હતી. ત્યારબાદ તેણે તાત્કાલિક રીતે એક મિત્રનો સંપર્ક કર્યો અને કોઈક રીતે કેમ્પસમાંથી બહાર નીકળી પોલીસ સ્ટેશન પહોંચી. આ સમગ્ર ઘટના અંગે પીડિતાએ પહેલાં ઠાકુરપુકુર અને પછી હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે ગુનો દાખલ કરતાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમ 64 (બળાત્કાર) અને કલમ 123 (ઝેર કે અન્ય હાનિકારક પદાર્થથી ઈજા પહોંચાડવી) મુજબ આરોપ નોંધ્યો છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને કેસની ગુનાહિત તપાસ આગળ વધી રહી છે. આ ઘટના IIM કલકત્તાની પ્રતિષ્ઠાને મોટા ઝટકા જેવો છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાની સુવ્યવસ્થિત મેકેનિઝમ અંગે ચિંતાનો વિષય ઊભો કરી રહી છે.