પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામ ગોચનાદ નજીક રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા સ્ટેટ હાઈવે (SH-55) પર આવેલ બનાસ નદીના જૂના બ્રિજની હાલત ધ્યાને લઇને આગામી અનિચ્છનીય બનાવોને ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા મહત્વનો પગલું ભરવામાં આવ્યું છે.
આ બ્રિજ વર્ષ ૧૯૬૫માં બનાવવામાં આવ્યો હતો અને તેનું જૂનાપણું તથા હાલની તકલીફજનક સ્થિતિ જોતા ૧૧ જુલાઈ, ૨૦૨૫થી ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી માટે આ બ્રિજ પરથી ભારે વાહનોના અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના રજુઆત આધારે જિલ્લા પ્રશાસને આ પ્રતિબંધ લગાવ્યો છે. ભારે વાહનચાલકો માટે નવીન માર્ગ તરીકે નીચેના ડાયવર્ઝનના ઉપયોગની સુચના આપવામાં આવી છે.
રાધનપુર . સીનાડ . ઉણ . થરા . ટોટાણા .રોડા . વેજાવાડા . બોરતવાડા . હારીજ
જાહેરનામા મુજબ જો કોઈ શખ્સ આ પ્રતિબંધનો ભંગ કરશે, તો તેને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાનૂની કાર્યવાહી ભોગવવી પડશે.
આ હુકમ અમલમાં રાખવા પાટણ જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓને સત્તાધિકૃત કરવામાં આવ્યા છે કે, તેઓ હુકમનો ભંગ કરતા અથવા કરાવતા વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામા આવશે.