જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલની તપાસમાં દિવસે દિવસે નવી કડીઓ શોધી રહી છે. તાજેતરમાં તપાસનો દાયરો વધારતા ફરીદાબાદથી એક મહિલા ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે, જેને આ આતંકી કાવતરામાં મુખ્ય શંકાસ્પદ તરીકે ગણવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, અગાઉ ઝડપાયેલા આતંકી ડૉક્ટર મુઝમ્મિલની પૂછપરછ દરમિયાન એક સ્વિફ્ટ કાર વિશે મહત્વની માહિતી મળી હતી, જે બાદ પોલીસે તે કારને શોધી કાઢી હતી.
કારની તપાસ દરમિયાન પોલીસે કિંક્રોટ અસૉલ્ટ રાઇફલ, ત્રણ મેગઝીન, એક પિસ્તોલ, જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ અને વધારાની બે મેગઝીન જપ્ત કરી હતી. તપાસમાં ખુલ્યું કે આ કાર અલ-ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત મહિલા ડૉક્ટર શાહીનાની હતી. ત્યારબાદ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી હતી અને પુરાવા મળતા તેની ધરપકડ પણ કરી લીધી છે.
આ મહિલા મૂળ લખનૌની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેને હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવી છે. તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું કે અગાઉ ઝડપાયેલો મુઝમ્મિલ છેલ્લા ત્રણ વર્ષથી ફરીદાબાદના અલ-ફલાહ સ્કૂલ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વરિષ્ઠ ડૉક્ટર તરીકે કાર્યરત હતો.
પોલીસે અગાઉ મુઝમ્મિલના ઘણા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી વિસ્ફોટક સામગ્રી અને સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કાર્યવાહી સહારાનપુરથી પકડાયેલા કાશ્મીરી ડૉક્ટર આદિલની પૂછપરછ બાદ હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ નેટવર્ક અને તેના પાકિસ્તાન સાથેના સંભવિત જોડાણો અંગે તપાસ તેજ ગતિએ ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel