નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે તેમની ગઠબંધનની સહયોગી પાર્ટી બદલી દીધી છે. પ્રચંડે નેપાળી કોંગ્રેસ છોડીને ફરીથી સીપીએનયુએમએલ સાથે ગઠબંધન કર્યું છે. સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે 3 નવા મંત્રીઓ પદ્મા ગ્રીહી, હિત બહાદુર તમાંગ અને ડોલ પ્રસાદ આર્યલને પણ શપથ લેવડાવ્યા હતા. પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રચંડની આગેવાની હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર) અને શેર બહાદુર દેઉબાની આગેવાની હેઠળની નેપાળી કોંગ્રેસ વચ્ચેનું જોડાણ સમાપ્ત કરવામાં આવ્યું છે કારણ કે બે ટોચના નેતાઓ વચ્ચે વધતા મતભેદો પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે.
સીપીએન-માઓવાદીના સેક્રેટરી ગણેશ શાહે કહ્યું કે નેપાળી કોંગ્રેસે વડાપ્રધાનને સહકાર આપ્યો ન હોવાથી અમને (આ) નવા જોડાણની શોધ કરવાની ફરજ પડી છે. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022ના રોજ નેપાળી કોંગ્રેસના સમર્થનથી ત્રીજી મુદત માટે વડાપ્રધાન બન્યા હતા. નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યા પછી પ્રચંડે ઓલીની આગેવાની હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે હાથ મિલાવ્યા છે, જેને પ્રચંડના ટોચના ટીકાકાર તરીકે ગણવામાં આવતા હતા.
પ્રચંડની સામ્યવાદી સરકાર પાછળ ચીનનો હાથ
માઓવાદી નેતાઓનું કહેવું છે કે નેપાળીઓ કોંગ્રેસ સરકારના કામકાજમાં અવરોધો ઊભા કરી રહ્યા હતા પરંતુ, નેપાળમાં પ્રચંડની સામ્યવાદી સરકારની રચના પાછળ ચીનનો હાથ છે. કહેવાય છે કે નેપાળમાં બીઆરઆઈ પ્રોજેક્ટમાં વિલંબથી ચીન નારાજ હતું. ગયા વર્ષે સીપીએન-યુએમએલએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મુખ્ય વિપક્ષી દળના ઉમેદવારને સમર્થન આપવા અંગેના અણબનાવને પગલે પ્રચંડની આગેવાની હેઠળની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો હતો.
પ્રોજેક્ટ વિલંબને લઈને નેપાળ- ચીન સામ-સામે
નેપાળમાં ચીનના રાજદૂત ચેંગ સોંગ કેપી શર્મા ઓલી, ઝાલા નાથ ખનાલ સહિત સામ્યવાદી પક્ષોના ઘણા નેતાઓને મળ્યા હતા. નેપાળમાં પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં અટકી પડ્યો હતો. નેપાળી કોંગ્રેસ હંમેશા નેપાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ચીન પાસેથી લોન લેવાની ટીકા કરતી રહી છે. પ્રોજેક્ટમાં વિલંબને લઈને નેપાળ-ચીન સામ-સામે આવ્યા હતા.
બીઆરઆઈ દ્વારા વેપારમાં વેગ પકડશે : ચીનનો દાવો
ચીને દક્ષિણ ચીન સાગર અને ભારત સાથેની પૂર્વ લદ્દાખ સરહદ મુદ્દે તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. તેના એશિયન પડોશીઓ સાથેના સંબંધોમાં વધતા તણાવને ઘટાડવાની માગ કરતા ચીને સોમવારે કહ્યું કે બીઆરઆઈ જેવી પહેલ વેગ પકડી રહી છે. ચીનનો દાવો છે કે બીઆરઆઈની મદદથી દેશનો પ્રાદેશિક વેપાર વધી રહ્યો છે. નોંધનીય છે કે ચીન ફરી પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાની પહેલ કરી છે, જોકે તે પણ એક ચાલાકી હોવાનું જણાય છે.