હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું સામે આવતાં ASIએ નોટિસ પાઠવી હાલ પૂરતી કામગીરી બંધ કરાવી છે.
નવરાત્રીમાં પાર્કિંગની સમસ્યા બની શકે ગંભીર
પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો મહાકાળી માતાજીનાં દર્શન માટે આવે છે. ખાસ કરીને આસો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આ સમયગાળા દરમિયાન વાહનોના ભારે ધસારાને કારણે પાવાગઢ અને આસપાસના વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા સર્જાતી હોય છે.
પાર્કિંગની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અગાઉ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રાળુઓનાં વાહનો પાવાગઢથી દૂર તળેટીમાં પાર્ક કરવાની સુવિધા વિકસાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રણ રસ્તા નજીક વિશાળ પાર્કિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જરૂરી પરવાનગી વિના કામગીરી શરૂ કરાઈ
અહેવાલ મુજબ, પાવાગઢના સંરક્ષિત સ્મારકની નિર્ધારિત 300 મીટરની હદમાં કોઈ નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી હાથ ધરવા માટે સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરી લેવી પડે છે.
આ મામલે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીનો સર્વે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પરવાનગી આપવાની પ્રક્રિયા હોવાનું સામે આવ્યું છે. જોકે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જરૂરી પરવાનગી મેળવ્યા પહેલાં જ પાર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આથી ASI દ્વારા નોટિસ પાઠવી કામગીરી અટકાવવામાં આવી છે. હવે જરૂરી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાખો યાત્રાળુઓની સુવિધા સામે સવાલ
પાર્કિંગની કામગીરી હાલ અટકી જતાં આગામી આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ આવતા લાખો યાત્રાળુઓ માટે વાહન પાર્કિંગની સમસ્યા ફરી ગંભીર બની શકે તેવી આશંકા ઊભી થઈ છે.
જો તંત્ર દ્વારા સમયસર જરૂરી મંજૂરી મેળવી કામગીરી ફરી શરૂ કરવામાં આવે અને પાર્કિંગ સુવિધા ઝડપથી તૈયાર કરવામાં આવે તો નવરાત્રી દરમિયાન વાહન વ્યવસ્થા અને પાર્કિંગનું ભારણ ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ અંગે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ટેકનિકલ વિભાગનો સંપર્ક કરવામાં આવતાં ASI દ્વારા નોટિસ પાઠવી પાર્કિંગની કામગીરી બંધ કરાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. હવે નવરાત્રી પહેલાં જરૂરી પરવાનગીઓની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને પાર્કિંગની કામગીરી ફરી ક્યારે શરૂ થાય છે તેના પર સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel