ICCએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એશિયા કપ 2023ની તારીખો જાહેર કરી છે. એશિયા કપ 2023ની શરૂઆત 31 ઓગસ્ટે પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં થશે અને અંતિમ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાશે.
એશિયા કપની 16મી આવૃત્તિની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાન ચાર મેચોની યજમાની કરશે અને બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ ભાગ લેશે જેમાં કુલ 13 વનડે મેચો રમાશે.
🚨 JUST IN: The hosts and dates of the 2023 Asia Cup have been finalised 📰
Details 👇
— ICC (@ICC) June 15, 2023
એશિયા કપ 2023ની ટુર્નામેન્ટમાં ત્રણ-ત્રણ ટીમોના બે ગ્રુપ હશે, જેમાં ટોપની બે ટીમ સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કરશે. સુપર ફોરની ટોપની બે ટીમો 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે.
એશિયા કપમાં શરૂઆતના ગ્રુપ સ્ટેજની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે. જેમાં એક ગ્રુપમાંથી પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મેચ રમાશે અને બીજા ગ્રુપમાંથી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. જયારે શ્રીલંકામાં ગ્રુપ સ્ટેજથી ભારત અને પાકિસ્તાન, ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાશે. આ પછી બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-4માં પ્રવેશ કરશે. સુપર-4ની તમામ મેચ અને ફાઈનલ શ્રીલંકામાં રમાશે.