રિઝર્વબેન્કે કહ્યું છે કે હવે ચેક ગણતરીના કલાકોમાં ક્લીયર થઈ જશે. આરબીઆઈની એમપીસીની ત્રણ દિવસની મીટિંગ બાદ તેના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે આ જાહેરાત કરી હતી. દરમિયાન આરબીઆઈએ વ્યાજના દર સતત નવમી વાર યથાવત્ રાખ્યા છે. તેણે ચાલુ વર્ષ માટે જીડીપી ગ્રોથનો અંદાજ 7.2 ટકા અને રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકા યથાવત્ રાખ્યા છે.
હાલમાં ચેક ક્લીયરન્સમાં બેથી ત્રણ દિવસનો સમય લાગે છે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) હેઠળ જે ઝડપે નાણાં ટ્રાન્સફર થાય છે તે જ ઝડપે ચેક ક્લીયર થશે. હાલમાં ચેક ક્લીયરન્સની વ્યવસ્થા ચેક ટ્રન્કેશન સિસ્ટમ (CTS) ક્લીયરિંગ પ્રોસેસ મુજબ બેચ મોડમાં કામગીરી થાય છે જેમાં બે દિવસનો સમય લાગે છે. હવે નવી કન્ટિન્યૂઅસ ક્લીયરિંગ અને ‘ઓન-રિયલાઈઝેશન-સેટલમેન્ટ’ પ્રોસેસમાં ક્લીયરિંગ સાઈકલનો સમય ઘટાડાશે. મતલબ કે જે દિવસે ચેક રજૂ થશે તે જ દિવસે ગણતરીના કલાકોમાં તે ક્લીયર થઈ જશે.
દરમિયાન આરબીઆઈએ રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખ્યા હતા. મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની મીટિંગ ગુરુવારે સંપન્ન થઈ હતી. કમિટીના છ સભ્યો પૈકી ચાર સભ્યોએ વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણ કરી હતી. આ કમિટીની ચાર વર્ષની ટર્મ ઓક્ટોબરમાં પૂરી થઈ રહી છે. કમિટીએ પોલિસી સ્ટેન્સ ‘એકોમોડેશનનું વિડ્રોવલ’ યથાવત્ રાખ્યું હતું.