દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવધ અને ગૌમાંસના વેચાણની કેટલીય ફરિયાદો સામે આવતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ માંગરોળ પાસેથી ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પાસેથી ગૈમાંસ ભરેલા સમોસાનો જથ્થો પકડાયો હતો. હવે તાજા કિસ્સામાં નવસારીના ડાભેલ ગામમાંથી પણ એક લારી પરથી ગૌમાંસ ભરેલા સમોસા વેચતા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ગૌમાંસની બનેલી વાનગીનું વેચાણ થતું હોવાની બાતમી મરોલી પોલીસ અને ગૌરક્ષકોને મળી હતી. જેને લઇ મરોલી પોલીસના જવાનોએ ડાભેલ ગામના તળાવ કિનારે આવેલી A-ONE ચિકન બિરયાની નામની લારી પર જઈ રેડ કરતા મસાલા મિશ્રિત માંસની વાનગીનું સેમ્પલ લઈ તેની તપાસ કરતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તાત્કાલિક એક આરોપી અહમદ મહંમદ સુઝની ધરપકડ કરી લીધી હતી તથા અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી 4 વર્ષથી આ ગૌમાંસ ભરેલા સમોસા વેચતો હોવાનું પણ સામે આવ્યું હતું.
નોંધનીય છે કે આ પહેલા ઘણીવાર પોલીસને પોતાની લારી તરફ આવતા જોઈને આરોપી અહમદ મહંમદ સુઝ સમજી જતો હતો કે રેડ પાડવાની છે. માટે તે તરત જ લારીમાં રહેલો સમોસાનો જથ્થો તળાવમાં ફેંકી દેતો હતો. તેણે એકથી વધુ વાર આ પ્રકારની ચાલાકી કરી હતી.
પરંતુ આ વખતે પોલીસે સતર્કતા દર્શાવી અને તે ગૌમાંસ ભરેલા સમોસા તળાવમાં નાખે એ પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી.
આ પહેલા પણ એકવાર પકડાયો હતો આરોપી અહમદ
પોલીસ કાર્યવાહીમાં ડાભેલ ગામમાં તળાવના કિનારે પકડાયેલો 45 વર્ષીય આરોપી અહમદ મહંમદ સુઝ છેલ્લા લાંબા સમયથી ગૌમાંસની વાનગીઓને રાંધીને પોતાની લારી પર વેચાણ કરતો હતો. અગાઉ પણ મરોલી પોલીસે તેની અટક કરી હતી પરંતુ માસનું પરીક્ષણ ન થતા તે છૂટી ગયો હતો.
પરંતુ હવે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ગૌમાંસના ખીમાના જથ્થાને પરીક્ષણ માટે મોકલતા તેમાં ગૌમાંસ મિશ્રિત હોવાનું સર્ટી જાહેર કરવામાં આવ્યું હતું. જેના આધારે આરોપીની ધરપકડ કરવા સાથે વધુ એક આરોપી ચાચા અજીમ ભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.