લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને I.N.D.I.A. ગઠબંધને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. આવી સ્થિતિમાં પરિણામો પહેલા જ I.N.D.I.A. ગઠબંધનની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી બાદના સંજોગોને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગળની તૈયારી માટે વ્યૂહરચના ઘડવામાં આવશે.
દિલ્હીમાં 1 જૂનના રોજ I.N.D.I.A. ગઠબંધનની યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે તમામ સહયોગીઓને આમત્રિંત કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક ચૂંટણીની સમીક્ષા કરવા અને પરિણામ પછીની પરિસ્થતિને લઈને થઈ રહી છે. આ ઉપરાંત I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્યના પગલાં અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવામાં આવી છે.
I.N.D.I.A. ગઠબંધનની બનશે સરકાર- વિપક્ષનો દાવો
I.N.D.I.A. ગઠબંધનની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું હશે. એટલું જ નહીં તમામ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે ભાજપને ગત ચૂંટણી કરતા ઓછી બેઠકો મળી રહી છે. જો કે, ભાજપે ‘400 પાર કરવાનો’ નારો આપ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે NDA ગઠબંધન ત્રીજી વખત સરકાર બનાવશે.
બીજી તરફ કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ દાવો કરી રહ્યા છે કે NDA બહુમતી નહીં મેળવી શકશે અને I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેથી લઈને રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, સપાના વડા અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત વિપક્ષના નેતાઓ ભારતમાં ગઠબંધન સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે.
1 જૂને I.N.D.I.A. ગઠબંધનની બેઠક કેમ બોલાવવામાં આવી?
I.N.D.I.A. ગઠબંધનની બેઠક અંગે દરેકના મનમાં સવાલ છે કે ચૂંટણીના પરિણામો પહેલા વિપક્ષી નેતાઓની બેઠક શા માટે થઈ રહી છે? આ અંગે હજુ સુધી સ્પષ્ટ રીતે કંઈ કહેવામાં નથી આવ્યું પરંતુ આ બેઠક એ દિવસે બોલાવવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનનો અંતિમ દિવસ છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી જ વચગાળાના જામીન આપ્યા છે અને તેમણે 2 જૂનના રોજ સરેન્ડર કરવાનું છે. જોકે, સીએમ કેજરીવાલે પોતાના જામીનનો સમયગાળો એક અઠવાડિયું વધુ લંબાવાની કોર્ટને વિનંતી કરી છે.
અરવિંદ કેજરીવાલની પાર્ટી I.N.D.I.A. ગઠબંધનના મુખ્ય ઘટક દળમાંથી એક છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી, ગુજરાત, ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી છે, જ્યારે પંજાબમાં બંને પાર્ટી અલગ-અલગ લડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી ગત ચૂંટણી કરતા સારા પરિણામ લાવવામાં સફળ રહેશે. આવી સ્થિતિમાં ચૂંટણી પછી કેજરીવાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે, તેથી તેઓ જેલ જાય તે પહેલાં તેમની હાજરીમાં I.N.D.I.A. ગઠબંધનના શીર્ષ નેતા બેઠક કરીને ભવિષ્યની વ્યૂહરચના પર મંથન કરવા માંગે છે.